Translate

તા.૩૦ નવેમ્બર થી ૨જી ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.૩૦/૧૧/૨૦૨૧ થી તા.૦૨/૧૨/૨૦૨૧ દરમિયાન કમોસમી વરસાદની આગાહીના શક્યતાના પગલે વલસાડ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૧  ના રોજ ભારેથી ખુબ ભારે વરસાદની (HEAVY TO VERY HEAVY RAINS) આગાહી કરેલ હોય સબંધિતોએ નોંંધ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

      વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇ હાલમા ખેતરમા ઊભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ લણણી કરેલા પાકને સુરક્ષિત જગ્યાએ રાખવા, શાકભાજીના ઊભા પાકોમા પિયત ટાળવા, ફળ પાકો/ શાકભાજી ઉતારીને બજારમા સુરક્ષિત રીતે  પહોંચાડવા, રાસાયણિક ખાતર કે નવા ખરીદેલા ઘઉં, જીરુ વગેરેનુ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમા રાખવા, રવિ પાકોના ચાસમા પાણી ભરાયું હોય તો  તેનો નિકાલ કરવા,ખરીફ ઋતુનો કોઇ પાક કાપણી કરેલો હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલા તૈયાર પાક તથા ઘાસચારો સુરક્ષિત જગ્યાએ રાખવા જણાવાયું છે. એપીએમસીમાં વેપારી મિત્રો તેમજ ખેડુતોએ જરૂરિયાત પ્રમાણે આગોતરા સાવચેતીના પગલા લેવા ઉપરાંત બિયારણના વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમા પલળે નહી તે મુજબ આગોતરુ આયોજન કરીને સુરક્ષિત રાખવા અનુરોધ કરાયો છે.

     આ કમોસમી વરસાદની આગાહીના સમયગાળા દરમિયાન પ્રાણીઓને  સુરક્ષિત જગ્યાએ રાખવાની સાથે ગાજવીજ અને વરસાદ દરમિયાન પ્રાણીને બહાર ન જવા દેવા તેમજ વરસાદનું પાણી  પોલ્ટ્રી ફાર્મમાં ન જાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જણાવાયું છે.


No comments