દેશના ગૃહ અને સહકાર પ્રધાનશ્રી અમિતભાઇ શાહના હસ્તે વિકાસ દિવસ અંતર્ગત દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલી જોડાઇને રાજય સરકારના રૂા. ૫૩૦૦ કરોડના વિકાસ કાર્યોનું ડીઝટીલી લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાયુઃ
વિકાસ દિવસની ઉજવણી નિમિત્તે રાજયના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે વલસાડ જિલ્લાના ૧૦ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરી અને ગ્રામીણ લાભાર્થીઓને લોકાર્પણ અને ખાતમૂહુર્તના પ્રતીકરૂપ ચાવી અને સહાયના ચેકો અપાયા:
વલસાડની એસ. ટી.ની વિભાગીય કચેરીના રૂા. ૪૪૪.૯૮ લાખના ખર્ચે તૈયાર થયેલા મકાનનું ડિઝીટલી લોકાર્પણ કરાયું:
રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે સરકાર દ્વારા તમામ ક્ષેત્રે થયેલા વિકાસના કામોની જાણકારી રાજયની પ્રજાને થાય તે હેતુથી તા.૦૧ લી ઓગસ્ટથી તા. ૦૯ મી ઓગસ્ટ સુધી રાજય સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષના કાર્યક્રમો યોજાઇ રહયા છે. જેના ભાગરૂપે આજના સાતમા દિવસે દેશના ગૃહ અને સહકાર પ્રધાનશ્રી અમિતભાઇ શાહે રાજય સરકારના રૂા.૫૩૦૦ કરોડના વિકાસકામોનું ડીઝીટલી લોકાર્પણ અને ખાતમૂર્હુત કર્યુ હતું. આ વેળાએ રાજય સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલને તેમની સરકારના સુશાસનના પાંચ વર્ષના પૂર્ણ થવાના અવસરે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મહાત્મા મંદિર ગાંધીનગરના ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
દેશના ગૃહ અને સહકાર પ્રધાનશ્રી અમિતભાઇ અને રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરી અને ગ્રામ્યના લાભાર્થીઓને ટોકનરૂપે વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે પ્રતિકરૂપ આવાસની ચાવી અને આવાસના પ્રથમ હપ્તાના ચેક આપવામાં આવ્યા હતા.
દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબો, વંચિતોના વિકાસ માટે આદરેલી વિકાસયાત્રાને આગળ ધપાવતાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયની સરકારે પ્રજા માટે કરેલા વિકાસકાર્યોનો હિસાબ આપવાની ફરજ છે, એમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આજના સાતમાં વિકાસ દિવસે વલસાડ ખાતેના મોરારજી દેસાઇ ઓડિટોરિયમ હોલ ખાતે જણાવ્યું હતું.
રાજય સરકારે કરેલા વિકાસકાર્યોની જાણકારી થાય એ માટે રાજય સરકારે નવરાત્રિના નોરતાના નવ દિવસની જેમ તા. ૧ લી ઓગસ્ટથી શરૂ કરી તા. ૦૯ મી ઓગસ્ટ સુધી રાજયભરમાં વિવિધ થીમ અને વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઇ રહયા છે. રાજયના ગામડામાં કે શહેરમાં ઝૂંપડામાં રહેતા પરિવારને પોતાનું ઘરનું ઘર થાય તેનું સ્વપ્ન હોય છે. રાજય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તેઓનુ આ સ્વપ્નનું સાકાર થયું છે. આવા પરિવારોને આ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ રૂા. ૧ લાખ અને ૨૦ હજાર અને શહેરી કક્ષાએ રૂા. ૩.૫૦ લાખની સહાય મળે છે. રાજય સરકાર દ્વારા આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંર્તગત રૂા. ૩૮૨ કરોડના ૨૫ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂા. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસોનું ખાતમૂહુર્ત કરાયું હતું. આજે કરાયેલા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અંતર્ગત ડીસા નેશનલ હાઇવેના નવનિર્મિત રૂા. ૪૬૪ કરોડના બ્રિજ, રૂા. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી તેમજ રૂા. ૨૪૫ કરોડના આઇ.ટી.આઇ.ના વિવિધ કામોનું લોકાર્પણ કરાયું હતું.
અધ્યક્ષશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જી.એસ.આર.ટી.સી. દ્વારા રૂા. ૨૫૫ કરોડના ખર્ચે ૧૫૧ બસો, પાંચ બસ સ્ટેશન અને એક વલસાડની વિભાગીય કચેરીના લોકાર્પણનો સમાવેશ થાય છે. આજરોજ વલસાડના લોકાર્પણ કરાયેલા વિભાગીય કચેરીનું નવનિર્મિત મકાન રૂા. ૪૪૪.૯૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જે ગ્રાઉન્ડ વત્તા એક માળનું છે. આમા અદ્યતન ઇલેકટ્રીફિકેશન, લીફટ, ફાયર સેફટી સીસ્ટમ, મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે વોટર કુલર અને દિવ્યાંગજનો માટે સ્લોપીંગની સુવિધા આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા બગોદરા, ધંધૂકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂા. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાની કામગીરીનું આજે ખાતમૂહુર્ત કરાયું હતું. આજના વિકાસ દિને જિલ્લા અને મહાનગરપાલિકા દીઠ ૦૧ કાર્યક્રમ મળી કુલ ૪૧ જેટલા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરાયું હતું એમ, અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે વલસાડના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષના તમામ ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જયેશભાઇ મયાત્રાએ કર્યુ હતું જયારે આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. બી. મકવાણાએ કરી હતી.
આ કાર્યક્રમમાં વલસાડના સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી, ભા.જ.પ. પ્રમુખશ્રી હેમંત કસારા, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન પટેલ, કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરૂવાની,વલસાડના પ્રાંત અધિકારીશ્રી નીલેશ કુકડિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઇ પટેલ, વલસાડના ચીફ ઓફિસરશ્રી જગુભાઇ વસાવા તેમજ જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

No comments