ટૌકટે વાવાઝોડુંને લઇ વલસાડનું વહીવટીતંત્ર સજ્જ
ટૌકટે વાવાઝોડુંની સંભવિત અસરને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરશ્રી આર.આર.રાવલ દ્વારા જિલ્લાના તમામ વિભાગોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દરિયાકિનારાના સંભવિત અસરગ્રસ્ત ચાર તાલુકા વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના ૮૪ ગામોમાં એલર્ટની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડામાં જાનમાલને કોઇ નુકશાન ન થાય તે માટે તલાટી કમ મંત્રી, માલતદારશ્રી, તમામ અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા માટે કલેક્ટરશ્રી રાવલ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ગામોમાં જરૂર પડે તો સ્થળાંતર કરવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. માછીમારો તથા અગરિયાઓને દરિયામાં ન જવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને દરિયા કિનારાના એક કિ.મી.ના વિસ્તારમાં કોઇપણ હોર્ડિંગ્સ કે નબળા બાંધકામ હોય તો તેને હટાવી લેવા સૂચના આપવામાં આવી છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કોવિડ પ્રોટોકોલને સુસંગત કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી તથા આ વિસ્તારના સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓની જરૂર પડે તો અન્ય સલામત જગ્યાએ શીફટ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા, સંજોગોવશાત પાવર સપ્લાય બંધ થાય તો બેટરી, ડીજીસેટ જનરેટરની વ્યવસ્થા કરવા તમામ ડોક્ટરને આદેશ કરવામાં આવ્યા છે.
વધુમાં કલેક્ટરશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા છે અને જાહેર જનતાએ પણ સરકારશ્રીના આદેશની અમવારી કરવાની રહેશે. આ બાબતમાં કોઇપણ મુશ્કેલી કે રજૂઆત હોય તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક નંબર ૦૨૬૩૨-૨૪૩૨૩૮ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

No comments