કોરોનાની બીજી લહેરમાં પણ હરહંમેશની જેમ શ્રી સત્ય સાઈ સેવા સમિતિ - વલસાડની સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃતિઓ અવિરતપણે કાર્યરત
માનવ સેવા એજ માધવ સેવા" ના સિધ્ધાંત પર કાર્યરત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ - વલસાડ હરહંમેશની જેમ
માનવકલ્યાણ માટે આધારસ્તંભ બનીને અવિરતપણે સેવાકીય તેમજ આધ્યાત્મિક પ્રવૃતિઓ કરી રહી છે. તા.૧૮ મી એપ્રિલથી સતત વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓ (ડાયાબેટીક અને બિન-ડાયાબેટીક) માટે બિસ્કીટના પેકેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અત્યાર સુધીમાં આશરે ૧૦,૦૦૦ થી ઉપર બિસ્કીટના પેકેટોનું વિતરણ થઈ ચૂક્યું છે અને આ સેવા હજુ પણ ચાલુ જ રહેશે. વલસાડ 'પોલીટેકનિક ગર્લ્સ હોસ્ટેલ' ખાતે બનાવામાં આવેલ કોરોના હોસ્પિટલ ખાતે ૧૦૦૦ પી.પી.ઈ. કિટનું વિતરણ નક્કી કરેલ છે, જેમાંથી ૫૦૦ કિટ અપાઇ ગયેલ છે. આ ઉપરાંત ૩૦૦ ચાદર, ઓશીકાના કવર અને ઓઢવાની ચાદરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનું ફક્ત વિતરણ જ નહીં પરંતુ સમિતિના સ્વયંસેવકો દ્વારા જાતે હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના બેડ પણ તૈયાર કરવામાં હતાં. રોજ રાત્રે દર્દીઓ માટે હળદરનું દૂધ અને સવારે કાળો ( આયુર્વેદીક ઉકાળો ), તેમજ પાણીની બોટલોનું વિતરણ કરવાની સેવા પણ હાથ ધરવામાં આવેલ છે. અનાજની કીટનું (અમૃત કલશમ્) વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ફક્ત સેવા જ નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે પણ પાછળ ન પડતી વલસાડ સમિતિ દ્વારા તમામ માનવજાતનું ભગવાન રક્ષણ કરે એ હેતુથી સમૂહ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧૫૨ જેટલા સભ્યોએ સતત ૭ દિવસ સુધી દરરોજ "સમસ્ત લોકા સુખીનો ભવન્તુ" મંત્રના કુલ ૧,૧૯,૪૪૮ જાપ તેમના પોતાના ઘરેથી કર્યા હતાં. દરેક જણ વેક્સીન જરૂરથી મુકાવે તે માટે સમિતિ દ્વારા 'વેક્સીનેશન' માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રવૃત્તિઓ સમિતિ સભ્યોએ ભગવાન બાબાના દિવ્ય ચરણોમાં અર્પણ કરી હતી .શ્રી સત્ય સાઈ સેવા સમિતિના જીલ્લા પ્રમુખશ્રી હેમાંશુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સાથે તેઓ પણ આ કપરા સમયમાં વધુમાં વધુ જરૂરિઆતમંદ લોકો સુધી પહોંચી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે .





No comments