એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે
જિલ્લા કલેકટર આર.આર.રાવલે વિવિધ એસોસીએશન સાથે બેઠક યોજી
વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવાના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.આર.રાવલની અપીલને માન આપી એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે, તેમ વેપારી, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, ચેમ્બર ઓફ કોમર્સ વગેરે એસોસીએશન સાથેની કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જણાવાયું છે.
આ બેઠકમાં કલેકટરશ્રી રાવલે જણાવ્યું હતું કે, કોઇ વ્યકિત વાયરસનો ભોગ ન બને તેની તકેદારીની જવાબદારી માત્ર વહીવટીતંત્રની નથી લોકોની પણ છે, લોકોને પોતાના જાનની સલામતી ચિંતા કરવાની તેટલીજ જરૂરી છે. તંત્ર માનવતાવાદી છે. સ્વૈચ્છિક બંધની અપીલ અને વિનંતી જનહિતમાં છે, ત્યારે આ બંધમાં સૌ સાથ સહકાર આપે અને કોવિડ-૧૯ની ગાઇડલાલનનો ચુસ્ત અમલ કરે તે ખૂબ જરૂરી છે.
જિલ્લા કલેકટરશ્રી રાવલની અપીલને માન આપી એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે. વિવિધ એસોસીએશનોની રજૂઆતને ધ્યાને રાખી સમગ્ર જિલ્લામાં સોમવાર થી શનિવાર સુધી વેપાર ધંધા સવારે ૭-૦૦ થી રાત્રિના ૮-૩૦ સુધી કોવિડ-૧૯ ની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી સાથે ચાલુ રહેશે. રાત્રે ૮-૩૦ થી સવારના ૭-૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે સમગ્ર જિલ્લામાં પ્રથમવાર કોરોના કર્ફયુ લાગુ કરાશે. જયારે રવિવાર સિવાય હોટલો રાત્રિના ૧૦.૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દર રવિવારે હોટલોમાં રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી માત્ર પાર્સલ સેવા જ ચાલુ રાખી શકાશે. કોવિડ -૧૯ નિયમોનો ભંગ ન થાય તેની તકેદારી હોટલ માલિકોની રહેશે.
જે ઉદ્યોગોમાં નિર્ધારીત દિવસે શટડાઉન હોય તે દિવસે અચૂક બંધ પાળવાનું રહેશે. જે ઉદ્યોગોમાં રવિવારે શટડાઉન ન હોય તો ઉદ્યોગોને રવિવારે બંધમાંથી મુકિત આપવામાં આવી છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર અને.એ.રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા સહતિ વિવિધ વેપારી એસોસીએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખો/પ્રતિનિધિઓ ઉપિસ્થત રહયા હતા.

No comments