Valsad : આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વલસાડ જિલ્લાની મુલાકાતે
પારડી તાલુકાના ધગડમાળ ખાતે રૂા.૧૪૫.૧૪ કરોડના ખર્ચની પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત
જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩.૮૨ લાખ વસતિને પીવાના પાણીનો લાભ મળશે
વલસાડ જિલ્લાના લોકોને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વિવિધસ્ત્રોત જેવા કે દમણગંગા જળાશય, વાપી વિયર, પાર નદી, પંચલાઇ વિયર, ઔરંગા નદી તથા સરફેસ આધારિત ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩.૮૨ લાખ વસતિને પીવાના પાણીનો લાભ આપનારી કુલ પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના અંદાજે રૂા.૧૪૫.૧૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આજે તા.૧૮/૧૨/૨૦૨૦ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પારડી તાલુકાના ધગડમાળ ખાતે કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર પાણી પુરવઠા યોજનાઓની વિગત જોઇએ તો, રૂા.૩૫.૮૨ કરોડની પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-૨ની કામગીરી, જેમાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ વસતિને, રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ-૧ની કામગીરી, જેના થકી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના ૨૫ ગામોના ૨૯૮ ફળિયાઓને જોડવાની કામગીરી થકી અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા.૪.૮૩ કરોડની ઔરંગા નદી આધારિત કાંજણહારી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્ટીવીટી યોજનાથી વલસાડ તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા.૫.૩૫ કરોડની પાર નદી આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના ૫૭ ફળિયાની ૩૧ હજાર જેટલી વસતિ લાભાન્વિત થશે. આમ, આ તમામ યોજનાઓના કાર્યો પરિપૂર્ણ થતાં વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩૮૨૪૪૭ વસતિને પીવાના પાણીનો લાભ મળશે.
આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગુહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર) તથા મહાનુભાવો તરીકે સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મણિલાલ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રી ભરતભાઇ પટેલ અને શ્રી અરવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહેશે

No comments