Translate

મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે પારડી તાલુકાના ધગડમાળ ખાતે રૂા.૧૪૫.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત સંપન્ન


વલસાડ જિલ્લાના ત્રણ તાલુકાના ૧૧૪ ગામોની ૩.૮૨ લાખ જનસંખ્‍યાને પીવાનું  શુદ્ધ  પાણી મળશે

મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે પારડી તાલુકાના ધગડમાળ ખાતે રૂા.૧૪૫.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત સંપન્ન

રાજ્‍યમાં પીવાના પાણીનો દુષ્‍કાળ ભૂતકાળ બને તે માટે રાજ્‍ય સરકારે ગુજરાતમાં પીવાના પાણીનું પાણીદાર આયોજન કર્યું છે-મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

*: મુખ્‍યમંત્રીશ્રી :*

- રાજ્‍યના નાગરિકોને ક્ષારયુક્‍ત પાણી પીવામાંથી મુક્‍તિ મળી છે.

- રાજ્‍ય સરકાર નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પ્રતિબધ્‍ધ છે.

- ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્‍યો છે.

- ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે.

-છેલ્લા પાંચ માસમાં રાજ્‍યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્‍યું છે

- વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્‍યા નિવારવા રૂા.૧પ૦૦ કરોડના વિવિધ કામો ચાલી રહયા છે. 

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું છે કે, રાજ્‍યમાં પીવાના પાણીનો દુષ્‍કાળ ભૂતકાળ બને તે માટે રાજ્‍ય સરકારે ગુજરાતમાં પીવાના પાણીનું પાણીદાર આયોજન કર્યું છે. જેને પરિણામે રાજ્‍યના નાગરિકોને ક્ષારયુક્‍ત પાણી પીવામાંથી મુક્‍તિ મળી છે. 



મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્‍ય સરકાર નાગરિકોને પ્રાથમિક અને આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પ્રતિબધ્‍ધ છે. રાજ્‍યમાં જળ જીવન મિશન હેઠળ રાજ્‍યના તમામ ઘરોમાં પીવાનું શુધ્‍ધ પાણી પહોંચાડવા માટે ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. ગુજરાતનો વિકાસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્‍યો છે.

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારડી તાલુકાના ધગડમાળ ખાતેથી બહુધા આદિવાસી વસતિ ધરાવતા વલસાડ જિલ્લાના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે સાકાર થનાર પાંચ જૂથ પાણી પુરવઠા યોજનાઓના કામોનું  ખાતમુહૂર્ત કર્યું હતું. 

    મુખ્‍ય મંત્રીશ્રીએ રૂા.૩પ.૮૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર પંચલાઇ વિયર આધારિત પારડી જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-ર, આ યોજના સાકાર થતાં પારડી તાલુકાના ૨૪ ગામોની ૭૩ હજાર કરતાં વધુ વસતિને પીવાનું પાણી મળશે. 

તેમણે રૂા.૬૧.૧૨ કરોડની પંચલાઇ વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ-૧, જેનાથી વલસાડ તાલુકાના ૪૭ ગામોની આશરે ૧.૩૦ લાખ જેટલી વસતીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂા. ૩૮.૦૨ કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ વાપી તાલુકાના ૨પ ગામોના ૨૯૮ ફળિયાઓની અંદાજે ૧.૩૦ લાખ જેટલી વસતી, રૂા. ૪.૮૩ કરોડની ઔરંગા નદી આધારિત કાંજણહરી જૂથ યોજના હેઠળ ફળીયા કનેક્‍ટીવીટી યોજનાથી વલસાડ તાલુકાના ૬ ગામોના ૪૯ ફળિયાની ૧૮ હજાર કરતાં વધુ વસતી તેમજ રૂા. પ.૩પ કરોડની પાર નદી આધારિત કોસમકૂવા સિંચાઇ જૂથ હેઠળ વલસાડ તાલુકાના ૧૨ ગામોના પ૭ ફળિયાની ૩૧ હજાર જેટલી વસતિ લાભાન્‍વિત થશે. આ તમામ યોજનાઓના સાકાર થતાં વલસાડ જિલ્લાના પારડી, વલસાડ અને વાપી તાલુકાના ૧૧૪ ગામોની ૩,૮૨,૪૪૭ વસતિને પીવાનું શુદ્ધ પાણી મળશે. વલસાડ જિલ્લામાં પીવાના પાણીની સમસ્‍યા નિવારવા રૂા.૧પ૦૦ કરોડના વિવિધ કામો ચાલી રહયા છે. 



મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં પીવાના પાણી માટે ટેન્‍કરો ચાલતા હતા અને ભ્રષ્‍ટાચાર ફૂલ્‍યોફાલ્‍યો હતો. અમારી સરકારે ટેન્‍કરમુક્‍ત ગુજરાત બનાવ્‍યું છે. એટલું જ નહીં સરકારે છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂા.૧૮ હજાર કરોડની પાક ઉપજની ખરીદી કરી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજયના ૧૧૦૦ ગામડાઓને લાભ મળી રહયો છે. 

અમારી સરકાર ગરીબો, પીડિતો, ખેડૂતો, આદિવાસીઓની સરકાર છે, એમ જણાવતાં મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આદિવાસીઓના કલ્‍યાણ માટે પેસા એકટની અમલવારી, આદિવાસીઓને જમીન માલિકીના હક્ક આપવા ઉપરાંત આદિવાસી વિસ્‍તારમાં મેડીકલ કૉલેજ, એકલવ્‍ય શાળા અને વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. આદિવાસીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્‍કર્ષ માટે વનબંધુ કલ્‍યાણ યોજના અમલમાં મૂકી છે. જેને પરિણામે આદિવાસીઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્‍યું છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. છેલ્લા પાંચ માસમાં રાજ્‍યમાં ૨૦ હજાર કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્‍યું છે. 

વડાપ્રધાનશ્રીના જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને ચરિતાર્થ કરી કોરોના કાળમાં લોકોના જાનના રક્ષણ સાથે રાજ્‍યમાં આર્થિક ગતિવિધિઓ અને રોજિંદુ જીવન ચાલુ રહે તેવી અસરકારક વ્‍યવસ્‍થાઓ કરી હતી. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે, રાજયમાં ૨.૧૦ લાખ જેટલા લોકો કોરોનાથી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. એટલું જ નહીં રાજ્‍યમાં મૃત્‍યુદર પણ બે ટકાથી નીચો રહયો છે. 

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા માસ્‍ક એ જ વેકસીન છે, ત્‍યારે કોરોના વોરિયર્સ અને નાગરિકોના સહકારથી રાજયમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં આપણે સફળ રહયા છીએ. 

આવનાર દિવસોમાં કોરોના સામે વેકસીન ઉપલબ્‍ધ થનાર છે, ત્‍યારે રાજ્‍યમાં ડોકટર, પેરા મેડીકલ સ્‍ટાફ અને પ૦ વર્ષથી ઉપરની વય ધરાવતા અને છેવાડાના વિસ્‍તારોમાં અસરકારક રસીકરણ માટેનું નક્કર આયોજન કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

તેમણે વિરોધીઓને આડે હાથ લેતાં જણાવ્‍યું કે, ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે મુક્‍ત બજારની વકાલત કરી હતી, પરંતુ કેન્‍દ્રની સરકારે કૃષિ સુધાર કાયદાનો અમલ કર્યો છે, ત્‍યારે ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. પરંતુ ગુજરાતના શાણા ખેડૂતો તેનાથી ભ્રમિત થવાના નથી. 

ગુજરાતમાં આ જ કોંગ્રેસે ખેડૂતોને ગોળીએ દીધા હતા, તેનો ઉલ્લેખ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોંગ્રેસના રાજમાં જગતનો તાત સિંચાઇના પાણી, વીજળી, પાકવીમાથી વંચિત હતો. અમારી સરકારે રાજ્‍યમાં ખેડૂતોને સિંચાઇનું પૂરતું પાણી, વીજળી અને પાકવીમા તેમજ શૂન્‍ય ટકા વ્‍યાજે પાક ધિરાણ ઉપલબ્‍ધ કરાવ્‍યું છે. 

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વડાપ્રધાનશ્રીના હસ્‍તે તાજેતરમાં દુનિયાના સૌથી મોટા રીન્‍યુએબલ એનર્જી પાર્ક અને દરિયાના ખારા પાણીને શુદ્ધ કરતા ડીસેલિનેશન પ્‍લાન્‍ટનું કચ્‍છમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. 

સૌના સાથ સૌના વિકાસ મંત્ર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લાના નાગરિકો માટે રૂા.૧૪પ.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર પાંચ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ૧૧૪ ગામો, ૧૦૦૦ જેટલા પેટાપરાની ૬ લાખ જેટલી જનસંખ્‍યાને પીવાનું શુદ્ધ પાણી મળશે. એટલું જ નહીં, વલસાડ શહેરને પણ પીવાનું શુદ્ધ પાણી આવનાર સમયમાં મળશે. તેમણે ઉમેર્યું કે, વલસાડ જિલ્લાના પ૬ ટકા ઘરોમાં જળ જીવન મિશન હેઠળ નળથી પાણી પહોંચાડવામાં આવી રહયું છે. બાકી ઘરોમાં નળ જોડાણની કામગીરી પ્રગતિમાં છે. 

પ્રારંભમાં પાણી પુરવઠા વિભાગના સભ્‍ય સચિવ શ્રી મયુર મહેતાએ સૌનો આવકાર કરતાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રીના સક્ષમ નેતૃત્‍વમાં પાણી પુરવઠા વિભાગ રાજ્‍યના ૯૩ લાખ ઘરો સુધી નળથી જળ પહોંચાડવા માટે પ્રતિબધ્‍ધ છે. 

અંતમાં કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે આભારવિધિ કરી હતી. 

આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મણિલાલ પટેલ, ધારાસભ્‍ય સર્વશ્રી કનુભાઇ દેસાઇ, જીતુભાઇ ચૌધરી,  ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, અગ્રણી હેમંતભાઇ કંસારા, શિલ્‍પેશભાઇ દેસાઇ, કમલેશભાઇ પટેલ, મહેન્‍દ્રભાઇ ચૌધરી, પદાધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ સહિત નાગરિકો  ઉપસ્‍થિત રહયા હતા.

No comments