ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રૂ.૮૦૫.૮૪ લાખના ખર્ચના ૮ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરાયા*
વન અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં નવસારી સાંસદ સી.આર.પટેલના વરદ હસ્તે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રૂ.૬૮૪.૭૬ લાખના ખર્ચે ૪ કામોના ખાતમુહૂર્ત અને રૂ.૧૨૧ લાખના ખર્ચે ૪ વિકાસકાર્યોના લોકાર્પણ મળી કુલ રૂ.૮૦૫.૮૪ લાખના ખર્ચના ૮ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.
આજે લોકાર્પણ કરાયેલા કામોમાં અક્રામારૂતિ સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યું રૂ.૧૪ લાખ, વારોલી નદી ઇન્ટેકવેલથી અક્રામારૂતિ થઇ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણીની પાઇપલાઇન નાંખવાનું કામ રૂ.૯૫.૭૦ લાખ, વોર્ડ નંબર ૪ માં દરિયા કિનારે વોટર એ.ટી.એમ. લગાવવાનું કામ રૂ.૨.૯૫ લાખ, વોર્ડ નં. ૪ માં આવેલા કૈલાસધામ- સ્મશાન ભૂમિનું જીર્ણોધ્ધાર રૂ.૮.૩૪ લાખ જ્યારે ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં નગરપાલિકા ભવનનું ભૂમિ પૂજન રૂ.૯૪.૭૯ લાખ, કપિલેશ્વર તળાવથી ગોપાળ બાગ થઇ દહેરી રોડ સુધી બોક્ષ ડ્રેઇન તથા ડામર રોડ બનાવવાનું કામ રૂ.૧૫૧.૨૬ લાખ, હરીધામ સોસાયટીના પાછળના ભાગથી ક્લબ સુધી બોક્ષ ડ્રેઇન બનાવવાનું કામ રૂ.૨૩૨.૬૪ લાખ તેમજ યશોધામથી ગુલશન નગર સુધી ડામર રોડ, ડિવાઇડર તથા પ્રીકાસ્ટ ડ્રેઇન બનાવવાનું કામ રૂ.૨૦૬.૦૯ લાખનો સમાવેશ થાય છે.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજયમંત્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકામાં થનારા વિકાસકાર્યોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સરકારની વિકાસગાથા દરેક પ્રજાજનો સુધી પહોંચવી જોઈએ. આ વિસ્તારમાં ચાલી રહેલા રસ્તા સહિતના વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયસર થાય તે માટે સંબંધિત વિસ્તારના પદાધિકારીઓ દેખરેખ રાખે તે જરૂરી છે.
સાંસદ સી.આર.પાટીલે નગરપાલિકા દ્વારા કરાયેલી પ્રજાલક્ષી વિકાસ કામગીરી થકી કરેલી કાયાપલટ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવતી મહાપુરુષોની પ્રતિમા થકી આવનારી પેઢીને પ્રેરણા મળે છે અને તેઓ તેમના માર્ગે ચાલી દેશના વિકાસમાં સહભાગી બને છે. લોકોના આરોગ્યની યોગ્ય જાળવણી થાય તે હેતુસર સ્વચ્છતા જાળવવા અને નિયમિત દવાનો છંટકાવ કરવા જણાવ્યું હતું.
ઉમરગામ નગરપાલિકા પ્રમુખ રામશબદ સિંહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી નગરપાલિકા વિસ્તારમાં થઈ રહેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી.
આ અવસરે વલસાડ સાંસદ ડૉ. કે.સી.પાટેલ, ધારાસભ્યો સર્વે કનુભાઈ દેસાઈ, અરવિંદભાઇ પટેલ, ચીફ ઓફિસર વિપુલ પરમાર, ઉપપ્રમુખ જાગૃતિબેન, વલસાડ જિલ્લા ભાજપ હેમંતભાઈ કંસારા, ઉમરગામ તાલુકા અગ્રણી પ્રમુખ મુકેશભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રામદાસ વરઠા, એફ.સી.આઈ. સભ્ય હિતેશ સુરતી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, અગ્રણી મહેશભાઈ ભટ્ટ, ઉમરગામ નગરપાલિકાના વિવિધ સમિતિ ચેરમેન, નગરપાલિકા સભ્યો, કર્મીઓ નગરજનો હાજર રહ્યા હતા.


No comments