વલસાડ ખાતે સ્વ. મીનાબેન પાંડેની પૂણ્યતિથીએ જરૂરીયાતમંદો માટે જીવન રક્ષક દવાઓનું વિતરણ કરાયું
વલસાડના છીપવાડ સ્થિત સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પૂણ્યતિથી નિમિત્તે છેલ્લા ૧૧ વર્ષથી તેમના પરિવાર દ્વારા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરીયાતમંદ લોકોને જીવનરક્ષક દવા આપી સહાયરૂપ થવાના સેવાયજ્ઞ ચાલુ રાખી આજે ૬ લાખ રૂપિયાની કિંમતની દવાના વિતરણનો કાર્યક્રમ નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે કલેકટરશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતુ કે, માનવતાથી બીજો કોઇ મોટો ધર્મ નથી. સેવા કે મદદ કરવાની ભાવના છે, એ માણસના દિલમાં જન્મે છે. એ વસિયત, હેસિયત કે વીલ થી નથી મળતી. એના માટે વીલપાવર જોઇએ છે. વડીલોના સંસ્કારથી સેવાભાવના ચોકકસ જન્મે છે. સંસ્કારિતા અને શિક્ષણના કારણે પરિવારો સમાજ સેવા કરવા આગળ આવે છે. જેના થકી સમાજનું ભલું થાય છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કિન્નરીબેન પટેલે સેવાકાર્યની સરાહના કરી આનંદની લાગણી વ્યકત કરી હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે દવાઓનું વિતરણ કરાયું હતું.
પરિવારના દિવ્યેશ પાંડે દ્વારા સ્વાગત પ્રવચન કરી સેવાકાર્યની જાણકારી આપી આ સેવા કાર્ય સતત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
આ અવસરે ડીવાયએસપી શ્રી ચાવડા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી ભટ્ટ, શિવજી મહારાજ, નગરપાલિકા વિરોધપક્ષના નેતા ગીરીશભાઇ દેસાઇ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી વગેરે હાજર રહયા હતા.

No comments