વલસાડ જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણો મૂકાયા
દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૮-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલા હુકમથી કેટલીક સ્પષ્ટ સુચનાઓ તથા માર્ગદર્શિકાઓને ધ્યાને રાખી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે ભારતીય ફોજરારી કાયરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ ૩૩ (૧) બી અને યુ થી તેમને મળેલી સત્તાની રૂએ એક હુકમ દ્વારા દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અકસ્માત તથા જાનહાનિના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી અને તેઓને અગવડ ન પડે તે માટે સમગ્ર વલસાડ જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણો મૂકયા છે. આ હુકમ તા.૧૧/૧૧/૨૦૨૦ થી તા.૧/૧૨/૨૦૨૦ સુધી અમલી રહેશે.
જે અનુસાર દિવાળીના તહેવારો દરમિયાન રાત્રીના ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. અને એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોક્ષ ઉપર PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.
સીરીઝમાં જોડાયેલા ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે દુકાનમાં રાખી કે વેચાણ કરવા, કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરવા, દુકાનમાં રાખવા કે વેચાણ કરવા, ઇ-કોમર્સ વેબસાઈટ સહિતની કોઈપણ ઇ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લેવા કે ઓનલાઇન વેચાણ કરવા તેમજ કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્સ (ચાઈનીઝ તુકકલ/ આતશબાજ બલૂન)નું ઉત્પાદન તથા વેચાણ કરવા કે કોઇપણ સ્થળે ઉડાડવા ઉપર પ્રતિબંધ રહેશે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલય, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ફટાકડા તેમજ લોકોને અગવડ ઉભી ન થાય અને કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે જિલ્લામાં આવેલાં બજાર, શેરી, ગલી, જાહેર રસ્તા, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલિંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામોની નજીક દારૂખાનું ફોડી શકાશે નહીં.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા જી.પી. એક્ટની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર રહેશે.

No comments