Translate

નાગરિકોને ‘પોતાની જાત અને પોતાનો આત્‍મા સલામત' સૂત્રને હૈયે રાખી દિવાળીની ઉજવણી કરવા જણાવતા જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલ



વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન કોવિદ-૧૯ના સંક્રમણને રોકવા એકશન પ્‍લાન અમલી કરાયો 

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રજાતંત્રના સંપૂર્ણ સાથ અને સહકારના પરિણામ સ્‍વરૂપ વહીવટીતંત્ર કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં ખૂબ સફળ રહ્યું છે. વલસાડ જિલ્લાના નાગરિકોને જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે સુજ્ઞ અપીલ કરતાં જણાવ્‍યું છે કે, હાલના કોરોના સંક્રમણના સમયે લોકો સ્‍વૈચ્‍છાએ કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરે, ભીડભાડવાળી જગ્‍યાએ જવાનું ટાળે અને ‘પોતાની જાત પોતાનો આત્‍મા સલામત' સુત્રને હૈયે રાખી દિવાળીની ઉજવણી કરે તેની સાથે સાથે દિવાળી અને નૂતનવર્ષના તહેવારો અવસરે હેપ્‍પી એન્‍ડ હેલ્‍ધી દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. 

જિલ્લામાં દિવાળીના સમયગાળા દરમિયાન કોરોના સંક્રમણ વધે નહીં તે માટે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્‍યતંત્ર એકશન પ્‍લાન બનાવી કામગીરી કરી રહ્યું છે. તહેવારોમાં કોવિદ-૧૯ કામગીરી માટે હોટસ્‍પોટ તથા શહેરી વિસ્‍તારોમાં ધનવંતરી રથ  દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં વલસાડ ખાતે ૪-ધન્‍વંતરી રથ જલારામ ખમણ હાઉસ- શાકભાજી માર્કેટ, આનંદ ચોક ટાવર પાસે,  રામજી મંદિર અને મચ્‍છી માર્કેટ-શહીદ ચોક ખાતે જયારે વાપી ખાતે પાંચ ધન્‍વંતરી રથ ઝંડાચોક, ચણોદ, ગુંજન, ડુંગરા, વી.આઈ.એ.ચાર રસ્‍તા ખાતે રાખવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત બજાર વિસ્‍તારના વેપારીઓ, અવર-જવર કરતા ગ્રાહકો, મોલ/દુકાનના કર્મચારીઓ અને બજારોમાં જ્‍યાં વધુ ભીડ થતી હોય ત્‍યાં સ્‍ક્રીનિંગની કામગીરી કરવામાં આવશે. અર્બન હેલ્‍થ સેન્‍ટર દીઠ એક મેડીકલ બુથ બનાવી સ્‍વૈચ્‍છિક તપાસ કરાવવા માંગતા લોકોનું સ્‍ક્રીનિંગ કરી જરૂર પડયે એન્‍ટીજન ટેસ્‍ટ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ સેવાઓ આપતા મેડીકલ બુથનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે ચીફ ઓફિસરની મદદથી શહેરી વિસ્‍તારોમાં હોર્ડિંગ, પત્રિકા વિતરણ જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. 

પ્રત્‍યેક મેડીકલ બુથની કામગીરી સાંજે ૮-૦૦ કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. મોટી દુકાનો, શો-રૂમ કોવિદ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરે તેની તકેદારી રાખવા જણાવી તેમાં કામ કરતા કર્મચારીનું સ્‍ક્રીનિંગ અને રેન્‍ડમલી એન્‍ટીજન ટેસ્‍ટિંગ કરવામાં આવશે. તહેવારો દરમિયાન ચેક પોસ્‍ટ ઉપર પણ મેડીકલ ટીમો ગોઠવવામાં આવી છે. 

  દિવાળીના તહેવારોમાં દાઝી જવાના, પડી જવાના વગેરે બનાવો બનતા હોય છે. જેને પહોંચી વળવા જરૂરી આરોગ્‍ય વિષયક સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. જિલ્લાકક્ષાએથી તહેવાર દરમિયાન એક કોવિદ રેપિડ એકશન ટીમ બનાવવામાં આવી છે. જેના દ્વારા બજાર વિસ્‍તારમાં કોવિદ-૧૯ ગાઈડલાઈન ભંગ બદલ દુકાન/ મોલ/ શોપિંગ સેન્‍ટર/ હોટલ/ ચા-નાસ્‍તાની લારી/શાકભાજીની લારીના માલિકોને નોટીસ પાઠવવામાં આવી રહી હોવાનું આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

No comments