આવતીકાલથી સુરત બરોડા અને રાજકોટમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ફરીથી શરૂ થયો છે. રાજ્યમાં કોરોના કેસમાં ઘણો ઉછાળો આવ્યો છે જેના કારણે અમદાવાદમાં તો શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધીને અમદાવાદ કરફ્યુ અને રાજ્યની કોરોનાની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી.
નીતિન પટેલે જણાવ્યું હતું કે આવતીકાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. આ ત્રણેય શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે, લોકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. રાજ્યમાં કોરોનાની સારવાર માટે પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં બેડ ખાલી નથી તેવી વાત તદ્દન ખોટી છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે અમદાવાદની જેમ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લાદવામાં આવશે. શનિવારથી આ ત્રણેય શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જ્યારે આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કરફ્યુ યથાવત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ રાત્રી કરફ્યુ રહેશે.

No comments