દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ હટાવી લેવા જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલની અપીલ
વલસાડ નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ
વલસાડ નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક અને પાર્કિગ બાબતે શહેરીજનોને પડતી અગવડો નિવારવા માટે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલની સુચના અને માર્ગદર્શન હેઠળ નગરપાલિકાતંત્ર છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રીતે કામગીરી કરી રહી છે. આ કામગીરી વધુ વેગવાન અને અને શહેરીજનોને સમસ્યા કેવી રીતે હલ થઇ શકે અને સુવિધાયુકત શહેર બની શકે તે માટે કલેકટરશ્રી રાવલે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા વલસાડ શહેર વિકટ સમસ્યાઓની તબક્કાવાર વ્યવસ્થિત આયોજન કરી દબાણો નિયમોનુસાર હટાવવાની કાર્યવાહી કરવા, રોડ-રસ્તા ઉપરના શેડ કે દબાણો હટાવવા, જયાં શોપિગ સેન્ટરમાં પર્કિંગની સુવિધા છે, તેમણે અગ્રતાક્રમે વાહનો પાર્કિંગ કરી શકાય તેવી સગવડ કરવા, ખુલ્લા કરાયેલા પાર્કિગ પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા ઊભી કરવા અને જયાં શરતભંગના કિસ્સા હોય તેમાં કાયદાનુસાર નોટીસ આપી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
જે લોકોએ દબાણ કર્યા હોય તેમણે સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ હટાવી લે તે દબાણકર્તાના હિતમાં રહેશે, તેવી અપીલ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરવામાં આવી છે. સ્વૈચ્છિક રીતે દબાણો ન હટાવે તો આગામી તહેવારો પછી ઝુંબેશના રૂપે કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની સર્વે નગરજનોને નોંધ લઇ નગરપાલિકાતંત્રને સાથ અને સહકાર આપવા જણાવ્યું છે.
તિથલ રોડ ઉપર જે પણ કંઇ બાકી કામો છે તે દિવાળી તહેવાર પહેલા પૂર્ણ કરવા, જયાં બ્યુટીફિકેશન કરવા જરૂર જણાય તો સ્વૈચ્છિક સંસ્થાના સહયોગ મેળવી આગામી દિવાળી તહેવાર પહેલા પૂર્ણ કરી આ રોડ વલસાડ શહેરની જનતાની સુવિધા માટે ખુલ્લો મુકવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીને સખ્ત તાકીદ કરવામાં આવી છે. ઇ.ચા. પ્રાંત અધિકારી જયોતિબા ગોહલિને નગરપાલિકા વિસ્તારોની સમગ્ર કાર્યવાહી માટે લાયઝનિંગની કામગીરી સોંપવામાં આવી છે.
આ બેઠકમાં વલસાડ નગરપાલિકાતંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને પ્રાંત અધિકારી વલસાડ ઉપસ્થિત રહ્યા હતા.

No comments