વલસાડ જિલ્લામાં ૧૮૧ કપરાડા(અ.જ.જા) વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઇ
પેટા ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ, પારદર્શક અને મુકત વાતાવરણમાં યોજવા વહીવટીતંત્ર સંપૂર્ણ સજજ: જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.આર.રાવલ
ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા ૧૮૧ કપરાડા(અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ તા.૨૯/૦૯/૨૦૨૦થી આચારસંહિતા અમલમાં આવી છે. આ બેઠક માટે તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન યોજાશે. જે અનુસાર વલસાડ જિલ્લામાં ૧૮૧ કપરાડા(અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ચૂંટણીલક્ષી વિસ્તૃત જાણકારી આપવા માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કલેકટરશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, ૧૮૧-કપરાડા (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ, પારદર્શક અને મુકત વાતાવરણમાં યોજાય તે માટે વહીવટીતંત્ર સજજ છે. કોવિદ-૧૯ની ગાઇડલાઇનની ચુસ્ત અમલવારી માટે તંત્ર દ્વારા એકશન પ્લાન બનાવી કાર્ય કરવામાં આવશે. ચૂંટણી અંગેનું જાહેરનામું તા.૦૯/૧૦/૨૦૨૦ના રોજ બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૬/૧૦/૨૦૨૦, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ ૧૭/૧૦/૨૦૨૦, ઉમદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તા.૧૯/૧૦/૨૦૨૦ રહેશે. મતગણતરી તા.૧૦/૧૧/૨૦૨૦ના રોજ યોજાશે અને તા.૧૨/૧૧/૨૦ સુધી આચારસંહિતા અમલમાં રહેશે. આખરી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી અનુસાર ૧૮૧ કપરાડા (અ.જ.જા) વિધાનસભા બેઠક માટે કુલ ૨,૪૫,૭૩૬ મતદારો પૈકી ૧,૨૪,૫૧૯ પુરુષ અને ૧,૨૧,૨૧૩ સ્ત્રી અને એક અન્ય મતદારો છે. આ બેઠક માટે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાને ધ્યાને રાખી ૩૭૪ મતદાન મથકો રહેશે.
આચારસંહિતા અમલમાં આવતાં જ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, સર્વેલન્સ ટીમ, નોડલ અધિકારીઓ તેમજ ફલાઇંગ સ્ક્વોડ અને સ્ટેટેસ્ટિક ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.
કલેકટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એન.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનોજ શર્મા સહિત પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments