ચૂંટણી કાર્યક્રમના આખરી ઓપની જાણકારી આપવા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી
વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વલસાડ કલેક્ટરશ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું.
આજે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંબોધન કરતાં વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કોવિદ-૧૯ સંદર્ભે ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી મેડીકલ નોડલ અધિકારી દ્વારા સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવશે.
ઉપરાંત સમાહર્તા અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ચૂંટણીમાં શાંતિ ભંગ ના થાય તે બાબતની તકેદારી રાખી તેની સાથે કાયદો વ્યવસ્થા અંગેની કોઇપણ જાતની કચાશ ચલાવી લેવામાં આવશે નહીં.
આ પેટા ચુંટણી દરમિયાન કુલ ૩૭૪ મતદાન મથકો ઉપર ૧૨૪પરપ પુરુષ, ૧૨૧૨૨૦સ્ત્રી તેમજ અન્ય એક મળી કુલ ૨૪પ૭૪૬ મતદારો મતદાન કરશે. મતદાન મથકોએ મતદાન સામગ્રી તેમજ સ્ટાફને પહોંચાડવા માટે ૩૭ મોટી બસ, પ૯ નાની બસ અને અન્ય ૯૪ વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોવિદ-૧૯ના માટે ઉપયોગ થનાર સામગ્રીની વિગતો જોઇએ તો ૪૧૨ થર્મલ સ્કેનિંગ ગન, ૬૩૭ નંગ સેનેટાઇઝર બોટલ, ૪૧૩૦ એન.-૯પ માસ્ક, ૭પ૧૦ થ્રીલેયર માસ્ક, ૪૧૩૦ ફેસશીલ્ડ, ૪૧૩૦ ગ્લોવ્ઝ તેમજ ૨.૭૦ લાખ સીંગલ હેન્ડ પોલીથીન ગ્લોવ્ઝનો સમાવેશ થાય છે.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાવલે જણાવ્યું હતું કે, મતદાર કોઇપણ ભય વિના મતદાન કરી શકે તેવી સુવિધા તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ન્યાયી, મુક્ત અને નિષ્પક્ષ કરાવવા તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે.
મતદારોને સંબોધન કરતાં જેમ બને તેમ વધુ મતદાન થાય તે લોકશાહીનો મજબૂત પાયો છે, આથી મતદારોએ જાગૃત રહી વધુમાં વધુ મતદાન કરવા કલેક્ટરશ્રીએ મતદારોને અપીલ કરી હતી. અંતમાં કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આવતીકાલ તા.૧/૧૧/૨૦૨૦ના રોજ સાંજના પાંચ વાગ્યા પહેલાં જે વ્યક્તિ કે મહાનુભાવો કપરાડા વિસ્તારના ન હોય તેણે તે મતવિસ્તાર છોડી દેવા જણાવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એ.રાજપૂત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.એન.ચૌધરી, કપરાડા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી શ્રી વી.સી.બાગુલ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહયા હતા.

No comments