કંગના પોતાની ઓફિસમાં થયેલી તોડફોડ બાદ પ્રથમ વખત ત્યાં પહોંચી
બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (બીએમસી) કંગના રનૌતની ઓફિસમાં જે તોડફોડ કરી છે તેનાથી તે ઘણી જ નારાજ છે. કંગનાની બહેન રંગોલીએ ગુરૂવારે ઓફિસ જઈને ત્યાંની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઓફિસની કેટલીક તસવીરો લીધી છે અને વિડીયો પણ બનાવ્યા છે. આ દરમિયાન કંગનાએ વધુ એક વખત ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ ટ્વિટ કર્યું છે. મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ એફઆરઆઈ પણ દાખલ થઈ છે. કંગનાની બીએમસી વિરુદ્ધ અરજી પર સુનાવણી થવાની હતી જેને 22 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
મનાલીથી આવ્યા બાદ કંગના ગુરૂવારે પ્રથમ વખત ઘરની બહાર નીકળીને પોતાની ઓફિસ ગઈ હતી. કંગનાએ ત્યાં થયેલી તોડફોડની માહિતી મેળવી હતી. તેણે તસ્વીરો પણ ક્લિક કરી હતી.
કંગનાએ બીએમસીની તોડફોડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુરૂવારે બપોરે 3 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થવાની હતી. જોકે, કોર્ટે સુનાવણી ટાળી દીધી છે. કોર્ટે કંગનાના વકીલ રિઝવાન સિદ્ધિકીને અરજીમાં કેટલાક સુધારા કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે તમે ઉતાવળમાં પિટિશન ફાઈલ કરી છે. થોડો સમય લો. પછી ફરીથી સારી રીતે પિટિશન ફાઈલ કરજો. તેના પર 22 તારીખ બાદ સુનાવણી થશે. કોર્ટે તે પણ કહ્યું છે કે 22 સપ્ટેમ્બર સુધી ઓફિસમાં કોઈ તોડફોડ ન થવી જોઈએ કે કોઈ બાંધકામ પણ થવું જોઈએ નહીં. ઓફિસમાં વિજળી અને પાણીની પાઈપલાઈન કાપવામાં આવી છે. તેને પણ શરૂ કરવા માટે રોક લગાવવામાં આવી છે.


No comments