રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ સંજાણના મેઢા પરિવારની દીકરીને નવું જીવન બક્ષ્યું
જયારે પરિવારમાં પારણું બંધાય એટલે પરિવારમાં ખુશીનો માહોલ હોય, પરંતુ આવી શુભ ઘડીએ ડૉકટર કહે કે, તમારા બાળકને ગંભીર બિમારી છે, તો? આવી જ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે રહેતા અગરપાડાના સંદીપભાઇ મેઢાના પરિવારમાં બની. પરંતુ આ પરિવાર ઉપર આવી પડેલી આફતને રાજય સરકારની શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર આપીને આફતને અવસરમાં ફેરવી પરિવારને હસતો-રમતો કર્યો છે.
તેજલબેન મેઢાને સામુહિક આરોગ્ય કેન્દ્ર સંજાણ ખાતે તા. ૧૩/૦૮/૨૦૨૦ના રોજ ૧૧.૪૦ વાગ્યે પ્રસુતિ થતાં તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ બાળકીની હાલત ગંભીર જણાતાં તેઓને સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે બે દિવસ સારવાર કરવા છતાં બાળકીની તબિયતમાં સુધારો ન થતાં તા.૧૫/૦૮/૨૦૨૦ના રોજ વધુ સારવાર માટે કિડની ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં બાળકીનું વિનામૂલ્યે ઓપરેશન કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. આજે બાળકી તંદુરસ્ત જીવન વિતાવે છે.
બાળકીના પિતા સંદિપભાઇ જણાવે છે કે, જયારે બાળકીની જન્મ થયો અને ડૉકટરે કહયું કે, બાળકીને ગંભીર બીમારી છે. વાત સાંભળતાં જ અમારા ઉપર આભ ફાટયું હોય તેવો અહેસાસ થયો કે હવે શું કરવું? શું ના કરવું? એ સમજ પડતી ન હતી. પરંતુ આરોગ્ય કેન્દ્રના ડૉકટરે જરા પણ રાહ જોયા વિના સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે મોકલી આપ્યા અને ત્યાં પણ બાળકીની તબિયતમાં કોઇ સુધરો ન થતાં કિડની ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે બતાવવા જણાવ્યું હતું. આર.બી.એસ.કેની ટીમ દ્વારા બાળકના ઘરની મુલાકાત લઇ રાજય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સારવાર માટે સાધનિક કાગળો તૈયાર કરી તા. ૧૫/૦૮/૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા. ત્યાં બાળકીની જરૂરી તપાસ કર્યા બાદ ઓપરેશનની જરૂરિયાત જણાતાં તા. ૨૭/૦૮/૨૦૨૦ના રોજ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. તા.૩૦/૦૮/૨૦૨૦ના રોજ બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ બાળકી એકદમ તંદુરસ્ત છે. રાજય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા સ્વાસ્થ્ય કાર્યક્રમના સમયસર લાભ મળવાથી આ શકય બન્યું છે. ૧૫ મી ઑગસ્ટે જાહેર રજા અને કોરોના જેવી મહામારી હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સમયસર સગવડ કરી આપી મારી પુત્રીને નવું જીવન બક્ષ્યું છે તે બદલ હું સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.


No comments