તા.૫મી સપ્ટેમ્બર-શિક્ષક દિન અવસરે માલનપાડા-નવીનગરી પ્રા.શાળાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક મહેન્દ્રસિંહ પરમારના વિચારો... ‘શિક્ષકત્વ કી પુકાર'
તા.પમી સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. તેઓ શિક્ષણ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતા, એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમની યાદમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા, નવીનગરી પ્રાથમિક શાળાના તાલુકા અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તેમજ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમારે તેમના વિચારો ‘શિક્ષકત્વ કી પુકાર' રૂપે રજૂ કર્યા છે.
બાળક જેને જોઇ રીઝે, બાળક જોઇ જે રીઝે
વત્સલ મૂરત, સ્નેહલ, સૂરત, કોટિ વંદન તેને
શિક્ષક એટલે બાળક માટે માતાની ગોદ એમ કહેવાય છે, પરંતુ આજના સમયે શિક્ષકની ગરિમા અને મહાનતા સામે પ્રશ્નો ઉઠે છે. શિક્ષકની ગરીમાની કાંકરી ધીમે-ધીમે ખબર ન પડતાં અજાણ્યે ખરી છે. વિશ્વના શ્રેષ્ઠ કથાકાર મોરારીબાપુના શબ્દો વાગોળીએ તો એ કહે છે કે, એક સમયે ગુરુજી એટલે શિક્ષક માત્ર જ્ઞાન આપવામાં માનતા, એટલે
જ્ઞાનેશ્વરી કહેવાતા. શિક્ષક જંગમ વિદ્યાપીઠ કહેવાતો. શિક્ષક તે કે જે વિદ્યાર્થી યોગ્યતા પ્રમાણે માર્ગદર્શન આપી, સમાજને શ્રેષ્ઠ રત્નો આપે છે. આજે તે જ વાત એન.સી.એફ.(નેશનલ કયુરેલીઝમ ફ્રેમવર્ક) પણ કરે છે કે, જ્ઞાનને જીવન સાથે જોડો, વિદ્યાર્થી જ્ઞાનનો સર્જક છે.
પરસ્પર દેવો ભવઃ આ સંકલ્પના આપણી સંસ્કૃતિમાં વણાયેલી હતી જ, પછી કાળક્રમે શિક્ષકની માનને અપેક્ષા જન્મવા લાગી. હું પણ સમાજનો અંગ છું, મને પણ માન મળવું જોઇએ. તે જ્ઞાનેશ્વરીમાંથી માનેશ્વરી થયો. ત્યારબાદ આજે તત્ત્વચિંતકો અને શિક્ષણવિદો પણ કહેવા લાગ્યા કે શિક્ષકને પોતાના વતનમાં નોકરી મળી રહે, કુટુંબની સાથે રહી શકે તો તે વધારે સારું જ્ઞાન પ્રદાન કરી કર્તવ્ય નિષ્ઠા બજાવી શકે અને આમ કરતાં આજનો શિક્ષક સ્થાનેશ્વરી થયો. અને તેથી આપણે શિક્ષક તરીકે વિચારવું રહયું કે, આપણી ઇચ્છા અને અનુラકૂળતા મુજબ બધાં જ નીતિગત પરિવર્તનો આપણી શિક્ષણ પ્રણાલીમાં થયાં અને થતાં રહયાં છે. તો તેના આપણે પ્રણાલીને એટલે કે છેવટે તો સમાજને શું વળતર આપી રહયા છીએ? આપણી ગતિ પ્રગતિની દિશામાં છે કે કેમ તેનું મનોમંથન જાગૃત શિક્ષકે કરતા રહેવું જોઇએ.
આજે ભાર વગરનું શિક્ષણ- આ બાબતના હિમાયતી થયા. પરંતુ એ વિચારવું જરૂરી છે કે, વિદ્યાર્થીને ભણાવનાર આપણે શિક્ષક તરીકે ભારયુક્ત તો નથી થઇ ગયા ને? અને શું તે સાચું છે કે કાલ્પનિક? શિક્ષકનો બહુધા વર્ગ અને કદાચ સમાજ પણ એવી માન્યતામાં ફસાયેલો છે કે, વિવિધ જવાબદારીથી શિક્ષક સમાજ જાણે તણાવમાં આવી ગયો હોય! કારણ કે સમાજ તો શોધે છે, એવા શિક્ષકને, કેળવણીકારને, સમાજના શિલ્પીને, જેનામાં ભારોભાર કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રભાવના હોય. જ્ઞાનોપાસના અને બાળ કેળવણીમાં મસ્ત શિક્ષકને આજે સમાજ શોધે છે.
આજે સમય આપવા અને સુવિધા મળવા છતાં આપણને અપેક્ષિત પરિણામ મળતું નથી. સતત એવું અનુભવાય કે સગવડો, સુવિધા, આધુનિકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર વગેરે ઉપલબ્ધ હોવા છતાં કયાંક ત્રુટી રહી જવા પામી છે, એમ લાગ્યા કરે છે. આ માટે શિક્ષકે વિના વિલંબે જાગૃત થવાની જરૂર છે. શાળા પ્રવેશોત્સવ, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, નિદાન અને ઉપચારાત્મક કાર્ય, ગુણોત્સવ સહિતના વિવિધ ઉત્સવ એ અંતે તો શિક્ષણને પૂરક બનવા અને સમય તથા સંશોધનને આધારે ઊભી થયેલી જરૂરિયાત મુજબ આપણને મળેલા પ્રકલ્પો છે. પરંતુ છેવટના અમલીકરણ કરનાર ધૃવ તો આપણે શિક્ષકો છીએ. બાળકની માનસિકતા, લગાવ, જિજ્ઞાસા કુંઠિત થાય તે કાળજી લેવાની જવાબદારી આપણી છે. ભણનારને શુષ્કતા લાગે કે ભણાવનારને સંતોષ ન લાગે તો આત્મમંથન કરવું જ જોઇએ.
પરિસ્થિતિ અને તંત્રને માત્ર દોષિત ઠરાવવાની ટેવ એ નબળી માનસિકતાની નિશાની અને બચાવ પ્રયુક્તિ છે. ઘણીવાર તંત્રના દરેક પ્રયોગો અને અભિગમને જો હકારાત્મક વિચાર સાથે ઉપાડવામાં આવે તો કદાચ એની જુદી જ રીતે અને જોરદાર અસર જોવા મળી શકે. અને આ એક સહજ સ્વભાવ અને ટેવ બનવાં જોઇએ. મને મળનાર પ્રત્યેક પદ્ધતિ, અભિગમ અને પ્રકલ્પને પૂરી તાકાત સાથે શાળા અને વર્ગખંડમાં લઇ જવું એ મારી મુખ્ય ફરજ છે. જાગૃત અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકને કદાપી સતત મૂલ્યાંકન માટેનો ડર કે કાર્યબોજ ન લાગે. સમયાંતરે મળતા પરિપત્ર કે માર્ગદર્શક સિદ્ધાંતો એ આધુનિક સમયમાં અપેક્ષા મુજબ વિજ્ઞાન અને સમાજ સાથે જોડતી કડી અને પરિવર્તનની માંગ છે. જેને સાચી રીતે અપનાવવાથી શિક્ષણકાર્ય અને શાળાની ગુણવત્તાને ચાર ચાંદ લાગી શકે. આ કાર્ય સમાજ, શિક્ષક, વાલી અને બાળકના ભલા માટે જ થતું હોય છે. ખોટી ઉતાવળ, હુંસાતુસી અને નકારાત્મક વિચારમાંથી બહાર આવી શિક્ષકે પોતાની નિષ્ઠા બતાવવાની છે. આમ થાય તો હિતકારી પરિણામ આવવાનું છે અને જ્યાં આ થઇ રહ્યું છે તે જગ્યાએ પરિણામ આવી પણ રહયું છે.
શાળા આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આવકારદાયક છે અને સમયની માંગ છે. કેમ કે, તેનાથી છેવટે તો આપણે કેટલું આગળ વધ્યા અને આપણું બાળક કયાં પહોંચ્યું છે તેની વધુ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક રીતે ખબર પડે. એ આપણી મદદ માટે જ છે. શિક્ષકે કોઇ નવી પદ્ધતિ કે પ્રયુક્તિ અપનાવી, તે ધ્યાનમાં આવે, બાળકનો ઝીણવટથી અભ્યાસ કરી તેને વધુ સારું પીરસવાનો કીમીયો મળે છે. જેમ કે આપણે તૈયાર થઇએ ત્યારે કે પછી ઘરમાં હોઇએ ત્યારે વારંવાર અરીસામાં જોતા હોઇએ તો ત્યારે કેટલો આનંદ થાય છે! વારંવાર અરીસામાં જોવાથી આપણને થાક કે, કંટાળો લાગતો નથી. નવો ઉત્સાહ, જોમ, આનંદ અને ગતિ મળે છે. તેવી જ અનુભૂતિ મૂલ્યાંકનમાં કેળવીએ તો કેવું!
રહી વાત કાગળ કામની, તો ડોકયુમેન્ટેશન તો આપણું દર્પણ છે. ફરજ-નિષ્ઠાનો મૂક સાક્ષી છે. કંઇક કર્યાનો આત્મસંતોષ છે. એક બીજી વાત પણ અત્રે અસ્થાને નથી કે, પ્રસંશા તો પ્રભુને પણ પ્યારી છે. મુખ્યશિક્ષક, સી.આર.સી., બી.આર.સી. કો-ઓર્ડિનેટર અને એકંદરે મોનીટરિંગ અને હેન્ડ હોલ્ડિંગ ટીમના તમામ સદસ્યો જો શિક્ષકને પ્રેરણા, પ્રેમ અને એના કાર્યની પ્રસંશા કરવા માંડે તો ધાર્યું પરિણામ આવી શકે. મારી કદર થાય એવી દરેકને ઘરમાં, શાળામાં અને સમાજમાં પણ લાગણી હોય છે, તો મિત્રો શિક્ષકની પણ કોઇએ પીઠ થાબડવી જોઇએ અને આટલા વંટોળીયા ભવનમાં ઝઝૂમીને પણ શિક્ષક પોતે કર્તવ્યનિષ્ઠા બજાવી રહયા છે. સદભાગ્યે આવા જાગૃત અને આયોજનબધ્ધ પ્રયત્નો આપણા રાજ્યમાં શિક્ષણ વિભાગ તરફથી થઇ રહ્યા છે અને એની શરૂઆત થઇ ગઇ છે, તેથી આપણું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે.
એક શિક્ષકભાઇના જન્મદિને રાજ્યના શિક્ષણ સચિવનો એમના ઉપર ફોન આવ્યો હતો. એના પરિણામે એ ભાઇ જાણે કે કંઇક અમૂલ્ય મળી ગયું હોય તેમ ખુબ હરખ અને ઉત્સાહમાં હતા. આમ શિક્ષકની કાર્યશૈલી પ્રભાવી થઇ શકે તે રીતે પ્રોત્સાહિત કરવું ખૂબ જરૂરી છે.
આજે સરકાર દ્વારા પણ શિક્ષકનું સ્વાભિમાન પાછું આવે, કર્તવ્યનિષ્ઠા વધુ મજબૂત બને અને રાષ્ટ્રભક્તિની પ્રબળતા દેખાય, આપણુ઼ વિશ્વમાં તેજોમય અને જગદગુરુ બને એના વિશે અવનવા પ્રયોગો કરીને સૌને તૈયાર કરી રહી છે. શિક્ષકોનો એમાં સિંહફાળો અપેક્ષિત છે. આપણા રાજ્યમાં પણ શિક્ષકોના વ્યવસાયિક વિકાસ અને પ્રોત્સાહન માટે આવા તેજસ્વી અને પ્રતિભાશાળી શિક્ષકો અને શિક્ષકત્વને બહાર લાવવાનું કામ શિક્ષણ વિભાગ કરી રહયું છે. પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકત્વને ઉજાગર કરનાર શિક્ષણ યજ્ઞમાં કંઇક વિશેષ હવન કરતા રહ્યા હોય તેવા શિક્ષકત્વ તેમજ શિષ્યત્વને સન્માનિત કરવામાં આવે છે, જે એક મુઠ્ઠી ઉંચેરું કામ કહેવાય.
શિક્ષક અને વિદ્યાર્થી સન્માન પુનઃ નિર્માણ થાય એ જ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનને સાચા અર્થમાં તર્પણ કરેલું કહવાશે. તો આવો મિત્રો, આપણી શાળા શ્રેષ્ઠ શાળા બને એના માટે શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને હેતપૂર્વક કરીએ. ખાનગી શાળામાંથી આપણી સરકારી શાળામાં લાવવાનું વાલીને મન થાય તે રીતે શાળાના ભૌતિક અને માનવ સંશાનને નિખારીએ. શાળાને સમૃદ્ધ બનાવવામાં સમાજશ્રેષ્ઠીઓને જોડીને શાળાને સાચા અર્થમાં સરસ્વતીનું મંદિર બનાવીએ. માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે સર્વે શિક્ષક ભાઇ-બહેનોમાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવું શિક્ષકત્વ પ્રગટે.
આવો આપણે આશા કરીએ કે ગુજરાતનું શિક્ષકત્વ ફરી પાછું મુઠ્ઠી ઉંચેરું થાય, સિદ્ધિના અવનવા સોપાનોને પામે!

No comments