Translate

વાપી ખાતે સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજનાના લાભાર્થીઓને સહાયના મંજૂરીપત્રો એનાયત કરાયા

 


વલસાડ જિલ્લાના વાપી-વી.આઇ.એ. હોલ ખાતે સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અંતર્ગત વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા બાગાયત વિભાગની ત્રણ યોજનાઓના શુભારંભ કાર્યક્રમમાં પારડી, વાપી અને ઉમરગામ તાલુકાના લાભાર્થીઓને સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ત્રણ યોજનાઓમાં ફળ અને શાકભાજીના પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી, સ્‍માર્ટ હેન્‍ડ ટુલ્‍સ કીટ તેમજ કાંટાળી તારની વાડ બનાવવા માટેની સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી ખેડૂતલક્ષી બાગાયત વિભાગને લગતી ત્રણ યોજનાનો શુભારંભ કરાવી ખેડૂતોને ઉપયોગી જાણકારી આપી હતી. 

આ અવસરે ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ખેડૂતોના હિત માટે રાજ્‍ય સરકારે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. જે પૈકી આજે બાગાયત વિભાગની ત્રણ યોજનાઓનો શુભારંભ કરાયો છે, જે રાજ્‍યના દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ યોજનાઓનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી મૂલ્‍યવર્ધિત ખેતી કરી આવક બમણી કરવાના પ્રયાસો કરે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. 



ડૉ.આંબેડકર અંત્‍યોદય યોજનાના ચેરમેન ગૌતમભાઇ ગેડીયાએ જણાવ્‍યું હતું કે, ગુજરાતના ખેડૂતો આત્‍મનિર્ભર બની વધુમાં વધુ ખેત ઉત્‍પાદન મેળવે તેવા શુભ આશયથી સાત પગલાં ખેડૂત કલ્‍યાણની વિવિધ યોજનાઓનો અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ લેવાની સાથે અન્‍ય ખેડૂતોને પણ તેઓ લાભ મળે તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે વધુમાં જણાવ્‍યું હતું. 

આ અવસરે ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઇ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઇ પટેલ, અગ્રણીઓ સર્વે કિરણબેન પટેલ, સુરેશભાઇ હળપતિ, અનિલભાઇ વાઘેલા, મહેન્‍દ્રભાઇ પુનેટકર, જીતુભાઇ રાઠોડ, બાગાયત, ખેતીવાડી, આત્‍મા વિભાગના કર્મીઓ, ખેડૂતમિત્રો, લાભાર્થીઓ હાજર રહયા હતા. 


No comments