ખાનગી કિલનિક/ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના બિન જરૂરી મોંઘા ઇન્વેસ્ટીગેશન ન કરવા વલસાડ કલેકટર શ્રી આર.આર.રાવલની અપીલ
રાજયમાં નોવેલ કોરોના કોવિડ-૧૯ રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાઇ રહ્યો છે. જે અંતર્ગત હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ નોવેલ કોરોના વાયરસ-૧૯ ના અટકાયતી પગલાંઓના ભાગરૂપે વધુ સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લા વહીવટીતંત્રને ધ્યાને આવ્યું છે કે, કોવિડ-૧૯ના દર્દીઓ પાસેથી ખાનગી કિલનિક/મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલોમાં બિનજરૂરી મોંઘા ઇન્વેસ્ટીગેશન કરાવવામાં આવે છે. જેના લીધે દર્દીઓને ખર્ચનું ભારણ વધે છે. જેની ફરિયાદો મીડિયા અને લોકો દ્વારા કરવામાં આવે છે. જેથી તમામ કિલનિક/ હોસ્પિટલોને સુચના કરવામાં આવે છે કે, ક્લિનિકલી ઇન્વેસ્ટીગેશન તબીબી અભિપ્રાય મુજબ જયાં અનિવાર્ય અને આવશ્યક હોય તો જ કરાવવા જોઇએ. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે નિયત દર કરતાં વધુ ચાર્જ ન વસુલવા અને કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ જિલ્લાના ડૉકટરોને વ્યવસાયિક નીતિ-મત્તા જાળવવા અને માનવતાવાદી અભિગમ અપનાવવા કલેકટર શ્રી આર.આર.રાવલ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

No comments