વલસાડ જિલ્લાની જનતા માટે નવી પહેલ | જન-મન અભિયાન યોજના
લોકોની વેદનાને વાચા આપવાનો વહીવટીતંત્રનો સ્તુત્ય પ્રયાસ
સત્યમ-શિવમ-સુંદરમના સૂત્રની પરિકલ્પના એટલે જન-મન અભિયાન યોજના - કલેક્ટર આર.આર.રાવલ
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પારદર્શક, સંવેદનશીલતા, નિર્ણાયક અને પ્રગતિશીલ વહીવટની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા માટે વલસાડ કલેક્ટર શ્રી આર.આર.રાવલે નવી પહેલ કરી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનતાની વેદનાને વાચા આપી લોકહૃદય સુધી પહોંચવાના જનમન અભિયાનનો શ્રેષ્ઠ પ્રામાણિક પ્રયાસ છે. જિલ્લાની જનતાને વિકાસયાત્રામાં જોડવા પ્રજાલક્ષી અભિગમ અપનાવાયો છે.
સંવેદનશીલતા એ વહીવટીતંત્રનું હૃદય, પ્રગતિશીલતા એ પ્રાણ, નિર્ણાયકતા એ મન અને પારદર્શકતા એ વહીવટીતંત્રની આંખ છે. જનતાના લોકપ્રશ્નો અને ફરિયાદોના ત્વરિત અને હકારાત્મક ઉકેલ માટેની વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આર.આર.રાવલ દ્વારા લોકહિતને અગ્રસ્થાને મૂકી આગવી અને સુરક્ષિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનું નામ છે, જન-મન અભિયાન યોજના. આ અભિયાનનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે, જનતાની વ્યથાના નિવારણ માટે એક વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર મળી રહે તે રહેલો છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકમાનસ સુધી પહોંચવાના સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયાસોના ભાગરૂપે તા.૧લી સપ્ટેમ્બર, ૨૦૨૦થી આ અભિયાનનો પ્રારંભ થઇ રહયો છે.
જિલ્લા કલેક્ટર આર.આર.રાવલના જણાવ્યા અનુસાર જન-મન અભિયાન એટલે જનમાનસ સુધી પહોંચવાનો એક પ્રમાણિક પ્રયાસ છે. જેની મૂળભૂત પરિકલ્પના ભારતીય સંસ્કૃતિના પાયાના સૂત્ર સત્યમ-શિવમ્-સુંદરમ ઉપર આધારિત છે. જેમાં સત્યમ એટલે જન-સંવાદ, શિવમ્ એટલે જન-કલ્યાણ અને સુંદરમ એટલે-જનસેવા.
પ્રજાતંત્રના સહયોગથી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સત્યમ-શિવમ-સુંદરમના ત્રિશુળ દ્વારા લોક સમસ્યા નિર્મૂલન કરવા પ્રયાસ હાથ ધરશે. વલસાડ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે જન-મન અભિયાન અંતર્ગત લોકો ટવીટર, વોટસઅપ, ગ્રિવન્સ ફોર્મ દ્વારા રજૂઆત કે ફરિયાદ કરી શકશે. જેનો ૨૪ કલાકમાં અરજદારને યોગ્ય પ્રત્યુત્તર ટવીટર/ વોટસઅપ એપ્લીકેશન દ્વારા પાઠવાવમાં આવશે અને રજૂ થયેલા પ્રશ્નનો સંબંધિત વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવશે.
જન-મન અભિયાન અંતર્ગત અરજદારો આ મુજબ અરજી કરી શકશે. જન-મન અભિયાન ટવીટર @Jvalsad તથા વોટસઅપ નંબર ૯૦૧૬૨૮૮૮૪૫ (ફકત ટેક્ષ મેસેજ દ્વારા નાગરિકો ફરિયાદ કરી શકશે), જ્યારે ગ્રીવન્સ ફોર્મ https://collectorvalsad.gujarat.gov.in/jan-man-abhiyan વેબ લીંક ઉપરથી રજૂઆત / ફરિયાદ કરવાની રહેશે. રજૂઆતની ટૂંકી વિગત, અરજદારનું નામ, મોબાઇલ નંબર ફરજિયાત દર્શાવવાનો રહેશે. જેથી અમલીકરણ અધિકારી દ્વારા અરજદારનો સંપર્ક કરી યોગ્ય પ્રત્યુત્તર પાઠવી શકાય. જન-મન ફરિયાદ નિવારણ માટે કલેક્ટર કચેરી, વલસાડ ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

No comments