વલસાડ તાલુકા કક્ષાનો વન મહોત્સવ ધમડાચી ખાતે યોજાયો - valsad
વલસાડ તાલુકાના ૭૧ મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ ધમડાચી ગ્રામ પંચાયત ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે વલસાડ તાલુકામાં ગામેગામ વૃક્ષોના વિતરણ માટે વૃક્ષ રથનું રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. ધમડાચી ગ્રામ પંચાયત ખાતે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ અવસરે આદિજાતિ વિકાસ રાજય મંત્રી રમણલાલ પાટકરે જન્મથી લઇને મૃત્યુ સુધી દરેક પ્રસંગોએ વૃક્ષોની જરૂરિયાત પડતી હોવાનું જણાવી આપણી આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ મળી શકે તે માટે વૃક્ષો વાવી તે મટા થાય ત્યાં સુધી યોગ્ય જાળવણી કરવા અનુરોધ કર્યો હતો. વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ બને છે, જીવન માટે ઓકિસજન આપે છે અને ઓક્સિજનનું પ્રમાણ વધારો હોય તેવા વિસ્તારોમાં મોટી બીમારીઓ પણ આવતી નથી, જે ધ્યાને રાખી વૃક્ષોનું મહત્ત્વ સમજી તેની વૃક્ષારોપણ અંગેની જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતુ. પૃથ્વી ઉપર સમતોલ વાતાવરણ માટે જરૂરી ૩૩ ટકા વન વિસ્તારની સામે રાજ્યમાં આપણે ૧૧ ટકા વન વિસ્તાર છે, જેની પૂર્તતા કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કોઇ અન્ય કારણસર પાક નિષ્ફળ જાય તો કોઇપણ જાતના પ્રિમીયમ ભર્યા વિના સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા થશે, તેમ તેમણે જણાવ્યું હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા અમલી નિયમોનું પાલન કરી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કોરોનાને કારણે થયેલા નુકસાનમાંથી બહાર લાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર યોજના અમલી બનાવી છે.
રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કરાયું
વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે વન મહોત્સવનો હેતુ સમજાવતાં દરેક વ્યકિત તેના ઘરની આજુબાજુના વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા જણાવ્યું હતું.
પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઇ પટેલે વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી ધમડાચી ગ્રામ પંચાયત વિસ્તારમાં કરાયેલા વૃક્ષારોપણની જાણકારી આપી હતી.
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. બી. સુચિન્દ્રાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, ધમડાચી સરપંચ રણછોડભાઇ આહીર, ઉપસરપંચ રંજનબેન પટેલ, વેજલપુર સરપંચ સગુણાબેન, ગામ અગ્રણી બુધાભાઇ, ધનસુખભાઇ, સમીરભાઇ દેસાઇ, કનુભાઇ સોનપાલ, મહેશભાઇ ભટ્ટ, નરેન્દ્રભાઇ પટેલ, ઉમેશભાઇ દેસાઇ સહિત સામાજિક વનીકરણ વિભાગના કર્મીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.


No comments