વલસાડ જિલ્લાની જાહેર જનતાને કોરોના સંક્રમણની સ્થિતિમાં કલેક્ટરશ્રી આર.આર.રાવલની નમ્ર અપીલ
વલસાડ જિલ્લાની જાહેર જનતાને કોરોના સંક્રમણની સ્થિતિમાં કલેક્ટરશ્રી આર.આર.રાવલની નમ્ર અપીલ કરતાં જણાવ્યું છે કે, વલસાડ જિલ્લાના તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી તથા વિવિધ મહોલ્લા-પોળોના રહેવાસીઓ સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટી/ મોહલ્લા /પોળોમાં કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે. બહારથી આવતા તમારા કોઇપણ સગાસંબંધી-મિત્રોને ઘરે આવવાની અનિવાર્યતા ન હોય તો ના પાડો, કોઇ વિદેશથી-બહારગામથી સોસાયટીમાં આવેલા હોય તો તેની જાણ પણ નજીકના આરોગ્ય કેન્દ્રમાં કરો, કોરોના કેટલો ગંભીર છે તેનું ધ્યાન રાખશો. કારણ વગર વડીલો-બાળકો-સગર્ભા બહેનોને ઘરની બહાર ન નિકળવા સમજાવો, જો સોસાયટી/ મોહલ્લા/પોળોના આગેવાનો પોતાના વિસ્તારમાં કડક રીતે ગાઇડલાઇનનો અમલ કરાવશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકાશે. ક્યાંક એવું ન બને કે આપણાં જ પાડોશમાં કે સોસાયટીમાં કોઇ કોરોના શંકાસ્પદ કેસ આવે અને આપણે મોડા પડીએ. તો આપને મળેલા હક્ક અને ફરજોને ધ્યાનમાં રાખીને સર્વેએ નિયમોનો ચુસ્તપણે અમલ કરવો આવશ્યક છે.. આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવાનો આજ યોગ્ય સમય છે. લાખોની વસતિ ધરાવતા શહેરોમાં આપની શેરીઓ સુધી સરકારી તંત્ર અને ફરજ પરના અધિકારીઓ/ કર્મચારીઓને આવવું પડે એ આપણા માટે યોગ્ય તો નથી જ ને? વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સોસાયટીના ચેરમેન/ સેક્રેટરી એલર્ટ થઇને યોગ્ય પગલા લે તેમ જિલ્લા કલેક્ટરશ્રી આર.આર.રાવલે જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે.

No comments