રાઇટ ટુ એજયુકેશન (આર.ટી.ઇ.) એકટ હેઠળ ધો-૧માં વિના મુલ્યે પ્રવેશ મેળવવા ૨૯ ઓગસ્ટ સુધીમાં ઓનલાઇન અરજી કરવી
ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ એજયુકેશન (આર.ટી.ઇ.) એકટ હેઠળ આગામી શૈક્ષણિક વર્ષ-૨૦૨૦-૨૧માં નબળા અને વંચિત જુથના બાળકોને નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રા.શાળાઓમાં ધો-૧માં વિના મુલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. વલસાડ જિલ્લાની નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં જેમણે ૧લી જુન-૨૦૨૦ના રોજ પાંચ વર્ષ પુરા થયા તેઓ અગ્રતાક્રમ મુજબ વિવિધ માધ્યમોની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવી શકે છે. આ પ્રવેશ મેળવવા માટે તા.૧૯/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૮/૨૦૨૦ સુધીમાં http://rte.orpgujarat.com પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વલસાડ જિલ્લાની નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રા.શાળાઓમાં ધો-૧મા ઓન લાઇન પ્રવેશ મેળવવા અલગ-અલગ ૧ થી ૧૩ કેટેગરીના બાળકોને અગ્રતાના ધોરણે પ્રવેશ અપાશે. જે તે બાળકોને તેમના રહેઠાણથી ફકત ૬ કિમીની ત્રિજયામાં આવેલી નોનો-ગ્રાન્ટેડ શાળાઓમાં જ આ યોજના હેઠળ પ્રવેશ મળી શકશે. ઓનલાઇન અરજી ફોર્મમાં પસંદગીની એક થી વધુ શાળા અગ્રતાક્રમે દર્શાવવાની રહેશે. ઓનલાઇન અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન પ્રિન્ટ વાલીએ પોતાની સાથે રાખવી. ભરેલા ફોર્મ કયાંય જમા કરવાનું નથી.
આર.ટી.ઇ. યોજના હેઠળ ધો-૧માં જે બાળકોનું એડમીશન કન્ફર્મ થશે. તેમની ધો-૧ થી ધો-૮ સુધી શાળામાં ભરવાપાત્ર ફીની રકમ દર વર્ષે શાળાને સરકાર ચુકવશે. તેમજ દર વર્ષે વિદ્યાર્થીને ગણવેશ-બુટ-પુસ્તકો અને પરિવહનના ખર્ચ પેટે રૂ.૩૦૦૦/-ની રકમ સરકારશ્રી તરફથી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવશે.
નબળા અને વંચિત જુથની કેટેગરીમાં આવતા બાળકોમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળા બાળક, બાળ સંરક્ષણ ગૃહના બાળકો, બાળ મજુર કે સ્થળાંતરીત મજુરના બાળકો, મંદબુધ્ધિ કે સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા વિકલાંગ બાળકો, એચ.આઇ.વી ગ્રસ્ત બાળકો, ફરજ પર શહીદ થયેલ લશ્કર, અર્ધ લશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો, તેમજ ૦ થી ૨૦ સ્કોર ધરાવતા BPLની યાદીમાં આવતા બાળકો માટે આવકની કોઇ મર્યાદા લાગુ પડતી નથી. ચાલુ વર્ષે રાજય સરકારે RTE હેઠળ પ્રવેશ આપવામાં બે નવી કેટેગરીનો સમાવેશ કર્યો છે. જેમાં જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દિકરી જ હોય, તેવી દિકરીને રાજય સરકારની આંગણવાડીમાં બે વર્ષ સુધી અભ્યાસ કરનાર બાળકોને પ્રવેશમાં અગ્રતા મળશે. એકની એક દિકરી માટે ગ્રામ્યવિસ્તારોમાં જે તે ગ્રામ પંચાયતના તલાટી જયારે શહેર વિસ્તારમાં જે તે નગરપાલિકાના ચીફ ઓફિસરનું અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો અંગે જે તે આંગણવાડીના વર્કરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
જયારે SC-ST-OBC અને જનરલ કેટેગરીમાં આવતા બિન-અનામત વર્ગના બાળકો માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારના બાળકો માટે આવક મર્યાદા રૂ.૧.૫૦ લાખની રહેશે. ઓનલાઇન અરજી કરતી વખતે શાળાની પસંદગી કરતી વખતે અગ્રતાક્રમ મુજબ એકથી વધુ શાળાના નામો દર્શાવવાના રહેશે. આર.ટી.ઇ હેઠળ કોઇ પણ વધુ જાણકારી માટે જિલ્લા પંચાયત કચેરી, શિક્ષણ શાખા, વલસાડના હેલ્પલાઇન નંબર- ૦૨૬૩૨-૨૫૩૨૧૦ પર સંપર્ક કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વલસાડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
જરૂરી દસ્તાવેજ
-વિદ્યાર્થીનો જન્ન્મ દાખલો, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતા-પિતાનું આધા કાર્ડ અને પાન કાર્ડ, આવકનો દાખલો, લાઇટબીલ, રેશનકાર્ડ, વેરાબીલ, બેંક પાસબુક(માતા કે પિતાની ફરજીયાત, બાળકની હોય તો તે પણ), વિદ્યાર્થીના બે ફોટા, પિતાનો જાતિનો દાખલો(લાગુ પડતું હોય તેના માટે), એક માત્ર દિકરી હોવાના કેસમાં સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આંગણવાડીમાં બે વર્ષ સુધી અભ્યાસ કરેલ હોય તેવા કેસમાં આંગણવાડીના વર્કરનું પ્રમાણપત્ર જરૂરી રહેશે.

No comments