Translate

કલામાં આત્‍માનું સિંચન થાય તો નિર્જીવ વસ્‍તુમાં પણ પ્રાણ પુરાય છે


કલા કારીગરીએ કુદરતની દેણ છે.  દરેક વ્‍યકિતમાં કંઇકને કઇંક કલા હોય જ છે. એ કલાને કેવી રીતે વિકસાવવી એ માનવીના હાથમાં છે. કલાને કેવી રીતે પ્રદર્શિત કરવી એ પણ કલા છે. કલામાં આત્‍માનું સિંચન થાય તો નિર્જીવ વસ્‍તુમાં પણ પ્રાણ પુરાય છે અને તે જીવંત લાગે છે. કલાના કરતબ કંઇ શિક્ષિત વ્‍યક્‍તિ જ કરે એ જરૂરી નથી. ગરીબ અને અભણ વ્‍યકતિ પણ પોતાની દુરંદેશીથી પોતાની કલાને રૂપ આપી શકે છે.


            ધરમપુર તાલુકાના પેણધા ગામની આંધોળી પ્રાથમિક શાળા તરફ જતાં ડાબી બાજુએ આંગણવાડી સામે જોવા મળતી વૃક્ષના થડમાંથી બનાવેલ કૃતિમાં અદ્‌ભુત કલાના દર્શન થાય છે. આદિવાસીઓ હંમેશા જળ, જંગલ અને જમીનને પૂજતા આવ્‍યા છે. અહીં પણ વૃક્ષ પ્રત્‍યેની લાગણીના દર્શન થાય છે. જંગલી વૃક્ષના કુદરતી મૃત્‍યુ પછી અને બળતણ તરીકે ઉપયોગ ન કરી કંઇક નવું રૂપ આપવાનું નક્કી કરાયું. ગામના આદિવાસીઓએ પોતાના ટાંચા સાધનો એવા કુહાડી અને કરવતથી ત્રિપાંખીય રીતે વિસ્‍તરેલા થડ અને મૂળોને આરામ ખુરશી અને બાકડાનું રૂપ આપી દીધુ છે. બાળકો માટે રમવાનું રમકડું કહો તો એમાં ખોટું નથી. ફળિયાની મધ્‍યે હોવાથી નવરાશની પળોમાં લોકો અહીં એકત્રિત થાય છે. અને આ વૃક્ષની કલાનો ઉપયોગ ખુરશી કે બાકડાના રૂપમાં કરે છે. એકવાર જોઇએ તો એવું જ લાગે કે કોઇકે ટેકો આપીને ઊભું રાખ્‍યું છે. દરેક બાજુથી  જોઇએ તો અલગ અલગ રૂપ જોવા મળે છે. ખરેખર અદભૂત કલા કારીગરીના દર્શન થાય  છે. વધુમાં તે જે રીતે સ્‍થાન પામ્‍યું છે, ત્‍યાં એકવાર તો બેસવાની ઇચ્‍છા થાય જ.

 

            કહેવાય છે ને કે શિલ્‍પકાર પથ્‍થરમાંથી મુર્તિ બનાવે છે. અહીં મૃત્‍યુ પામેલા ઝાડના થડ અને મૂળોને યથાવત રાખી લોકઉપયોગી બને તે માટે આદિવાસીઓની પોતાની આગવી સુઝબૂઝનો ઉપયોગ ખરેખર અભિનંદનીય છે.


No comments