સંઘપ્રદેશ દમણ અને દા.ન.હ ની તમામ બોર્ડરો ખોલી દેવામાં આવી
વૈશ્વિક મહામારી કોરોનાને લઇને માર્ચના અંતિમ સપ્તાહમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દમણ અને દાનહની તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી હતી. જોકે, સંઘપ્રદેશ પ્રશાસને લોકોની માગને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં આવવા માટેની તમામ બોર્ડર ખોલી દીધી છે. દેશમાં અનલોક જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દમણ અને દાનહમાં માત્ર ઇપાસ અને ઇમરજન્સી સેવા માટે જ લોકો અવર જવર કરી શકતા હતા. હવે સંઘપ્રદેશમાં પ્રવેશ કે બહાર જવા માટે કોઇપણ ઇપાસની જરૂરિયાત રહેશે નહિં. લોકો આસાનીથી ધંધા રોજગાર અર્થે આવી શકશેે. બે દિવસ અગાઉ જ ગૃહમંત્રાલયના સેક્રેટરીએ દરેક રાજયને પાઠવેલા પત્રમાં કોઇપણ રાજય પોતાની સીમા ઉપર લોકોની અવરજવર બંધ રાખી શકશે નહિં એવા આદેશ કર્યા હતા.
જેના અનુસંધાને સંઘપ્રદેશ પ્રશાસને પણ તમામ સરહદો ખોલી નાખવાનો નિર્ણય કર્યો છે, જેને જનતાએ આવકાર્યો છે, આજથી ઇ-પાસ સિસ્ટમ સમાપ્ત થયા બાદ દમણ અને વાપી રૂટ પર સામાન્ય વાહન વ્યવહાર શરુ થઇ ગયો હતો, માર્ચ મહિનાથી દમણ અને વાપીમાં બંધ થયેલો ટેક્ષી વ્યવહાર પણ પુનઃ શરુ થઇ ગયો છે, આજે ઘણી ટેક્સીઓ દમણ-વાપી રૂટ પર ફરી દોડતી જોવા મળી હતી, આ ઉપરાંત સોમનાથથી વાપી માર્ગ ઉપર ઓટો રીક્ષાઓની અવિરત ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. જો કે પ્રશાસન દ્વારા સારથી બસો અને દમણ-વાપી વચ્ચે એસ.ટી.બસોના સંચાલન અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, બંને સંઘપ્રદેશોની સરહદો ખોલી મુકાતા છેલ્લા પાંચ મહિનાથી ઠપ્પ પડેલા હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં પ્રાણ ફૂંકાયા છે, અને હવે ટૂંક સમયમાં બાર અને રેસ્ટોરન્ટનો વ્યવસાય પણ ખુલવાની આશાઓ સેવાઈ રહી છે


No comments