Translate

2020 ના અંત સુધીમાં ભારતીયોને મળી શકે છે ઓક્સફર્ડની કોરોના વેક્સીન

 

ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન પર ભારતની નજર છે અને 2020ના અંત સુધીમાં ભારતીયોને આ વેક્સીન મળી શકે છે. ભારતમાં બની રહેલી સ્વદેશી કોરોના વેક્સીન્સ પર પણ ઝીણવટભરી નજર રખાઈ રહી છે. જો આ વેક્સીન્સ પરીક્ષણમાં સફળ રહી તો થોડા અઠવાડિયાના અંતરમાં માર્કેટમાં આવી શકે છે, તેમ અધિકારીઓનું કહેવું છે.

જો કે, ઓક્સફર્ડની સંભવિત કોરોના વેક્સીન ભારતની બે સંભવિત રસી કરતાં ટ્રાયલમાં આગળ છે. સ્વદેશી રસીઓ પણ હ્યુમન ટ્રાયલના તબક્કામાં પહોંચી ગઈ છે તેમ છતાં ઓક્સફર્ડની રસી ટ્રાયલમાં આગળ છે. ઉલ્લેખનીય છે કે, ઓક્સફર્ડની રસીના ઉત્પાદનમાં પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યૂટ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાની ભાગીદાર છે.

ભારતમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટ હ્યુમન ટ્રાયલ (ફેઝ 2 અને 3)ના એડવાન્સ સ્ટેજમાં છે. દેશભરમાંથી પસંદ કરાયેલા 17 સ્થળોએ 18 વર્ષથી વધુની ઉંમરના 1600 લોકો પર પરીક્ષણ થઈ રહ્યું છે. ત્યારે ભારતની બે રસી- ICMR અને ભારત બાયોટેકની COVAXIN તેમજ ઝાયડસ કેડિલાની Zycov D પ્રારંભિક ફેઝ 1 અને 2માં છે.

સિરમની ટ્રાયલ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સીનની સૌથી મોટી ટ્રાયલ છે. જ્યારે બાકીની બે કંપનીઓએ 5થી 8 સ્થળોએ લગભગ 1000-1100 લોકોને ટ્રાયલમાં સામેલ કર્યા છે. ઓક્સફર્ડની સંભવિત રસીએ યુકેમાં હ્યુમન ટ્રાયલના પ્રારંભિક તબક્કા (ફેઝ 1 અને 2) પૂરા કરી દીધા છે અને તેના હકારાત્મક પરિણામ મળ્યા છે. દાખલા તરીકે, પ્રાથમિક પરિણામમાં સામે આવ્યું કે, કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓની જેમ જ અન્યોમાં પણ 28 દિવસમાં સમાન પ્રકારનો એન્ટીબોડી રિસપોન્સ જોવા મળ્યો છે. વેક્સીનનો બીજો બૂસ્ટર ડોઝ લીધા પછી એન્ટીબોડી રિસપોન્સ ઉચ્ચતમ સ્તરે જોવા મળ્યો હતો. બીજો ડોઝ આપ્યા પછી લેવાયેલા બ્લડ સેમ્પલમાં 100 ટકા ન્યૂટ્રલાઈઝિંગ એક્ટિવિટી જોવા મળી હતી.


No comments