ધગડમાળ ખાતે રૂા.૧૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર પારડી જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાયું
૪૦ ગામોના ૩૯૮ ફળિયાના ૧૧૪૭૯પ જેટલી વસતિને આવરી લેવાશે
ઘર આંગણે પાણી મળી રહે એવું નક્કર આયોજન સરકારે કર્યુ છે : સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ૪૦ ગામોના ૩૯૮ ફળિયાના ૧૧૪૭૯પ વ્યક્તિઓની વસતિ માટે દમણગંગા જમણાકાંઠા મેઇન કેનાલમાંથી પંચલાઇ ગામ નજીકથી પાણી ઉપાડી પંચલાઇ વિયરમાં ભેગું કરી પાણી પુરૂ પાડવાની રૂા.૧૧૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત ધગડમાળ ખાતે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું હતું કે, પારડી પાણી પુરવઠા જૂથ યોજનાથી પારડી તાલુકાના છૂટાછવાયા ૪૦ ગામોની પ્રજાજનોને લાભ મળશે. રાજ્ય સરકારે નહેરોનું આરસીસીકરણ કરીને પાણીનો વેડફાટ થતો બચાવ્યો છે. તત્કાલિત મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલી વિકાસયાત્રા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સતત આગળ વધારી છે. બહેનોને પાણી લેવા માટે દૂર-સુદૂર જવું ન પડે અને ઘર આંગણે પાણી મળી રહે એવું નક્કર આયોજન સરકાર દ્વારા કરાયું છે. જેનું આ ઉદાહરણ છે. મંત્રીશ્રીએ કોન્ટ્રાકટરને સમયસર અને મજબૂત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે આ યોજનાના લાભાર્થી સૌને શુભેચ્છા પાઠવી હતી.
આ યોજના તળે ત્રણ પેકેજમાં કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા઼ પેકેજ-૧ રૂા. ૪૮૩પ.૨૬ લાખ, પેકેજ-૨ રૂા.૩પ૮૨.૮૯ લાખ અને પેકેજ-૩ ૧૨૧૮.૨૯ લાખના ખર્ચે તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. જે પૈકી પેકેજ-૧માં પંચલાઇ વિયરના ઉપરવાસમાં ઇન્ટેકવેલ તેમજ ધગડમાળ ખાતે મુખ્ય હેડવર્કસ બનાવવામાં આવશે. ૨૦ ગામોના ૧૬૮ ફળિયાઓમાં ૧૬ સબ હેડવર્કસ ખાતે ઊંચી ટાંકી તથા જુદી-જુદી ક્ષમતાના સમ્પ બનાવી પાણી વિતરણ કરાશે. ઉલ્લેખનીય છે કે, નલ સે જલ કર્યક્રમ હેઠળ પારડી કોસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના માટે રૂા.૨.૯પ કરોડ ફળિયા કનેકટીવીટીના કામો માટે મંજૂરી મળી છે. પારડી તાલુકાના પ૧ ગામોના
૪૩૬૮૦ ઘરોમાં ઘર જોડાણ કરવામાં આવ્યું છે અને નલ સે જ઼લ કાર્યક્રમ હેઠળ બાકી રહેતા ૨૩૯૭૧
ઘરોમાં નળ જોડાણ કરવાનું આયોજન છે. આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, માજી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી અને ભાજપ અગ્રણી ભરતસિંહ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતા. આ અવસરે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશ પટેલે
સ્વાગત પ્રવચન કરી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી . આ અવસરે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, ગામના સરપંચ શ્રીમતી નીલાબેન સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા છે.
No comments