શિક્ષકદિને વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
દેશનું ભાવિ ઘડનાર એટલે શિક્ષક : આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી
‘‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા'' પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈં. ડૉ. સર્વપલ્લી રાધકૃષ્ણનની જન્મ જયંતિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આવા અવસરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ સન્માન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ જિલ્લા પ્રભારી તેમજ આરોગ્ય, તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર)ના અધ્યક્ષસ્થાને વલસાડના મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, દેશનું ભાવિ ઘડનાર એટલે શિક્ષક છે. શિક્ષક દેશને દિશા આપનારો છે. દેશના યુવાનોમાં ઘડતર કરી સારા નાગરિક બનાવવાનું ં કાર્ય શિક્ષક કરે છે. શિક્ષણ સાથે સંસ્કાર શિક્ષક જ આપી શકે. દેશના ભાવિ ઘડતર માટે બાળકોમાં પાયાનું શિક્ષણ આપવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે. શિક્ષક દિન એટલે સંકલ્પ લેવા માટેનો દિવસ છે. યુવાનોમાં પ્રમાણિકતા દેશભક્તિ સાથે સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય શિક્ષકોનું છે. આવા શિક્ષકોની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવવાનો અવસર એટલે શિક્ષકદિન છે, તેમ જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, શિક્ષણ નિરંતર અને જીવંત પ્રક્રિયા છે. શિક્ષકએ બાળકના ભાગ્ય ઘડતરનું કરોડરજ્જુ છે. શિક્ષક સાધારણ નથી. આજના આધુનિક યુગમાં બદલાવ જરૂરી છે. બદલાતા શિક્ષણ સાથે તાલ મિલાવવા તેમણે વધુમાં જણાવ્યું હતું.
પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ શિક્ષકદિનની શુભેચ્છા પાઠવી હતી.
આ અવસરે ઇન્કલુઝીવ ઇનોવેશન હેઠળ ઇ-મેઘ(અર્લી વોર્નિંગ સીસ્ટમ) પ્રોજેકટને દિલ્હી ખાતે ‘‘ ધ ઇન્ડીયન એકક્ષપ્રેસ એકસલન્સ ઇન ગર્વનન્સ'' પુરસ્કાર મળવા બદલ જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણને મંત્રીશ્રીના હસ્તે તૈલી ચિત્ર આપી સન્માન કરાયું હતું.
વલસાડ જિલ્લાના પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેવા ચાર પ્રાથમિક વિભાગ અને એક માધ્યમિક વિભાગના શિક્ષકોનો સમાવેશ થાય છે. જેમાં તાલુકા કક્ષામાં જગદીશભાઇ રમણલાલ પટેલ, યોગેશભાઇ માધુભાઇ પટેલને, જિલ્લા કક્ષામાં મહેન્દ્રભાઇ નાથુભાઇ પરમાર અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર કમલેશભાઇ ફતેસિંહ ચૌહાણને, જ્યારે માધ્યમિક શિક્ષક ધનસુખભાઇ નારણદાસ ટંડેલને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૯થી સન્માનવામાં આવ્યા હતા.
આ અવસરે રાજયમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ૭૫ ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લાના શિક્ષકો હાજર રહ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આભારવિધિ શિક્ષણ નિરીક્ષક આશાબેને કરી હતી.

No comments