Translate

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ અટકાયત અંગે સમીક્ષા બેઠક મળી


     વલસાડ જિલ્લામાં વાહક જન્‍ય રોગ અટકાયત અંગેની સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇની અધ્‍યક્ષતામાં મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે મળી હતી. 
બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને અર્બન વિસ્‍તારોમાં નોંધાયેલા મેલેરીયા અને ડેન્‍ગ્‍યુના કેસો અંગે સમીક્ષા કરતાં જણાવ્‍યું હતું કે, દરેક આરોગ્‍ય કર્મચારીઓએ જે વિસ્‍તારોમાં વધુ મચ્‍છર થતા હોય તેવા વિસ્‍તારોના મચ્‍છર ઉત્‍પત્તિસ્‍થાનોનો નાશ કરવાની ઘનિષ્‍ઠ ઝુંબેશ હાથ ધરવા અને રોગ થયેલો હોય તેવા દર્દીઓ પાસેથી તમામ વિગતો મેળવી દર્દીઓને અલગથી તારવણી કરી તમામ સારવાર સાથે અટકાયતી પગલાંઓ લેવા સૂચના આપી હતી. 
જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલે વાહક જન્‍ય રોગોમાં ખાસ કરીને મેલેરીયા અને ડેન્‍ગ્‍યુના અટકાયત અને નિયંત્રણ કામગીરી એવા જરૂરી મચ્‍છર ઉત્‍પત્તિસ્‍થાનોના પ્રકાર અને તેને નાબુદ કરવા એન.વી.બી.ડી.સી.પી.ની ગાઇડલાઇન મુજબ એન્‍ટીલાર્વલ અને એન્‍ટી એડલ્‍ટ કામગીરી માટે કાયમી જળસ્રોતોમાં ગપ્‍પીફીશ મુકવા અંગે ચુસ્‍ત અમલીકરણ કરવા જણાવ્‍યું હતું.
જિલ્લા મેલેરીયા અધિકારીએ મેલેરીયા અને ડેન્‍ગ્‍યુ રોગ માટે જવાબદાર મચ્‍છરનું જીવનચક્ર તથા જિલ્લાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના લીધેલા નમૂનાઓ અંગે જાણકારી આપી હતી. 
જિલ્લા આર.સી.એચ. અધિકારીએ મચ્‍છરનું જીવનચક્ર તથા તેની સારવાર અંગે પ્રેઝન્‍ટેશન દ્વારા માહિતી આપી સગર્ભા માતાઓ અને નાના બાળકોને વિશેષ તકેદારી રાખવા જણાવ્‍યું હતું. 
જિલ્લા ક્ષય અધિકારીએ દર્દીની સારવાર તથા ખાનગી ડોક્‍ટર્સ દ્વારા દર્દીઓનું નોટીફિકેશન થાય અને તેઓની સારવાર અંગેની તમામ માહિતી દરેક કર્મચારીઓને રાખવા જણાવ્‍યું હતું.
જિલ્લા લેપ્રેસી અધિકારીએ લેપ્રેસીના શંકાસ્‍પદ કેસો મળી રહે તે રીતે સર્વેલન્‍સ કરવાની કામગીરી કરવા તેમજ જિલ્લામાં લેપ્રેસીના નવા કેસોમાં ૫૦ ટકા ઘટાડો નોંધાયો હોવાનું જણાવ્‍યું હતું.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.મનોજ પટેલે પાણીમાં ક્‍લોરિનેશન, લેપ્‍ટોસ્‍પાયરોસીસ અને સ્‍વાઇન ફલ્‍યુ રોગ અંગેની અટકાયત અને નિયંત્રણ અંગે પ્રેઝન્‍ટેશન થકી જાણકારી આપી હતી. 
બેઠકમાં પ્રા.આ.કેન્‍દ્રોના મલ્‍ટીપર્પઝ હેલ્‍પવર્કર, એસ.આઇ. અને તાલુકા હેલ્‍થ સુપરવાઇઝર હાજર રહ્યા હતા. 

No comments