પ્રિમોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવતા જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ
વલસાડ જિલ્લામાં પ્રિમોન્સુનની કામગીરી અમલીકરણ અધિકારીઓને ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં જણાવ્યું હતું.
ભાગ-૧ની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ દ્વારા ઉમરગામ તાલુકાના વીજળીના પ્રશ્નો, વલસાડના ધારાસભ્ય ભરતભાઇના વલસાડ તાલુકામાં ગેસ કનેકશન, હાઇરાઇઝ બિલ્ડીંગોના ગટરના પાણીનો નિકાલ, રખડતા ઢોરો, ગુંદલાવ જી.આઇ.ડી.સી.ની ફેકટરીઓમાં સલામતીની વ્યવસ્થા તથા પ્રદુષણ અંગે, ફેકટરીઓમાં વીજ કનેકશન અંગેના પ્રશ્નો, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલના ફલધરા વણઝાર નદી ઉપરનો પુલની કામગીરી ધીમી ચાલવા અંગે, ધરમપુર તાલુકાના પાણીના પ્રશ્નો, હનમતમાળ ખાતે એટીએમની વ્યવસ્થાના પ્રશ્નો પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇનો ડીઆઇએલઆર દ્વારા બીલખાડીની માપણીના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર દ્વારા અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન અને સુચનો કર્યા હતા.
ભાગ-૨ની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીની ગામડાઓની મુલાકાત દરમિયાન ધ્યાને આવેલા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. કર્મચારીઓના પેન્શન કેસો, નિવૃત્ત થનાર કર્મચારીઓ, સરકારી લેણાં, માહિતી અધિકાર હેઠળની અરજીઓનો નિકાલ, બાકી તુમારો અંગેની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
No comments