Translate

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના પ્રતિનિત્વમાં જિલ્લાના’ કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’ની દિલ્હી ખાતે G-20 ઇવેન્ટમાં પસંદગી

 પ્રોજેક્ટથી જિલ્લાની ૫૦૦ શાળામાં અભ્યાસ કરતી અંદાજિત ૨૫૦૦૦ જેટલી કિશોરીઓને લાભ મળશે


નવી દિલ્હી ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કો-બ્રાન્ડેડ G-20 ઇવેન્ટ(કાર્યક્રમ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી પ્રદર્શન માટે કુલ 25 જેટલા પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ‘કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’નો પણ સમાવેશ થાય છે. આ ઇવેન્ટમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાની(IAS) તેમજ જિલ્લા આર.સી.એચ. અધિકારી શ્રી ડૉ. એ. કે. સિંધ દ્વારા કરવામાં આવ્યું હતું.

   આ પ્રોજેક્ટ અંતર્ગત વલસાડ જિલ્લાની અંદાજીત ૫૦૦ સરકારી શાળાઓમાં માસિકસ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા અંગેની કાળજીઓ રખાય તે હેતુસર સેનેટરી પેડ વેન્ડીંગ મશીનો તથા વપરાશ કરેલ સેનેટરી પેડના નિકાલ માટે ડિસ્પોઝેબલ મશીનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. આ મશીનો ખરીદવા તેમજ શાળાઓમાં લગાવવાનો ખર્ચ ૧૫માં નાણાંપંચ તથા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કરવામાં આવ્યો છે તથા સેનેટરી પેડો નિયમિત ધોરણે “રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ(RKSK)”ની ગ્રાન્ટમાંથી પુરા પાડવામાં આવશે જે સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ તમામ શાળાઓમાં માસિક ધર્મ અંગેની જાગૃતિ માટે આરોગ્ય શાખા દ્વારા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આમ, આ પ્રોજેક્ટ આ 500 શાળાઓમાં અભ્યાસ ફરતી અંદાજીત 25,000 બાળાઓને લાભકારી રહેશે.

   આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રત્યેક શાળામાં એક નોડલ શિક્ષિકા તથા એક આરોગ્ય કર્મચારીની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના બંને વિભાગો(શિક્ષણ અને આરોગ્ય) સંકલનમાં રહી બંને મશીનોની જાળવણી, સર્વિસિંગ તથા સેનેટરી પેડ પુરા પાડવાનું કાર્ય કરશે.

વલસાડ જિલ્લા પંચાયતે પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રોજેક્ટથી બાળાઓમાં આત્મવિશ્વાસ વધશે, માસિકસ્ત્રાવ અંગે જાગૃતિ વધશે અને બાળાઓની શાળાઓમાં હાજરીમાં પણ સુધારો થશે. પ્રોજેક્ટ માટે ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી જોગવાઈ કરવા માટે જિલ્લા પંચાયત વલસાડનાં પ્રમુખશ્રી અને તમામ સદસ્યશ્રીઓનાં સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

No comments