વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો
જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાના હસ્તે નોટબુકનું વિતરણ
‘‘શિક્ષણ માનવીનો મૂળભૂત અધિકાર છે’’ આ વાક્યને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ વલસાડની સેવા મિત્ર મંડળ સંસ્થા દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિ દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા ૧૦ વર્ષથી ચાલતાં નિઃશુલ્ક નોટબુક વિતરણ સેવાયજ્ઞમાં આ વર્ષે પણ સંસ્થાના સભ્યો દ્વારા વલસાડ તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓ તથા છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોને છેલ્લા ૭ દિવસથી ૨૧૦૦૦થી વધુ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
જિલ્લા કક્ષાએ યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં સંસ્થા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને પ્રાંત અધિકારી નિલેશ કુકડિયાના હસ્તે બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણના સેવા યજ્ઞમાં સેવા મિત્ર મંડળ દ્વારા ધરમપુરની એક સરકારી શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. આગામી વર્ષોમાં પણ આ સેવા સતત ચાલુ રહેશે એવુ મંડળના સેવક અક્ષય સોનીએ જણાવ્યું હતું.




No comments