Translate

કોરોનાના નિયંત્રણ અર્થે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજીઃ


કોરોનાના જે દર્દીઓએ તેમનો સંપર્ક નંબર ખોટો નોંધાવ્‍યો હોય તો તેવા દર્દીઓની  સંબધિત પોલીસ સ્‍ટેશનને જાણ કરવા આરોગ્‍ય વિભાગને જિલ્લા કલેકટરે સૂચના આપી



વલસાડ જિલ્લામાં છેલ્‍લા એક સપ્‍તાહથી કોવિડ- ૧૯ સંક્રમણના નિયંત્રણ માટેના જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન અને નેજા હેઠળ પગલા લેવાઇ રહયા છે. આ અંગે આજે ઉત્તરાયણના જાહેરરજાના પર્વના દિને પણ જિલ્લા કલેકટરે આરોગ્‍ય અને મહેસૂલ અને સંલગ્ન વિભાગો સાથે કોરોનાના નિયંત્રણ માટે કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજી હતી. 

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં તા. ૧૩/૦૧/૨૦૨૨ ના રોજ ૩૩૭ કેસો અને આજે તા. ૧૪ મી જાન્‍યુઆરીએ ૧૮૩ કેસો નોંધાવા પામ્‍યા હતા તેમ જણાવી જિલ્લાના વહીવટીતંત્ર કોરોનાના નિયંત્રણ માટેની થઇ રહેલી કામગીરીની સરાહના કરી હજુ પણ વધુ ઘનિષ્‍ઠ કામગીરી કરવા ઉપર ભાર મૂકયો હતો. કોરોનાની હાલની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ, દરેક તાલુકામાં ટેસ્‍ટિંગ વધુ ઝડપી કરવા અને પોઝીટીવ આવનાર દર્દીને તુર્ત જ જાણ કરવા અને તેમને હોમઆઇસોલેશનમાં રાખવા અને આ દર્દી અન્‍ય કોઇના સંપર્કમાં ન આવે તે બાબતનું ધ્‍યાન રાખવા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત આવા પોઝીટીવ આવેલા દર્દીઓને વધુ સારવારની જરૂર જણાય હોય તો નજીકના પી. એચ. સી. કે સી. એચ. સી. માં મોકલવાની જરૂરી વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું.

જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વે કરીને કોરોનાના ટેસ્‍ટ કરીને કોરોનાના દર્દીઓનું ટેસ્‍ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્‍ટની કામગીરી વધુ સઘન બનાવવા, શહેરી વિસ્‍તારોમાં જે દુકાનના માલિકને કોરોના પોઝીટીવ આવે તો આરોગ્‍ય વિભાગે નગરપાલિકા સાથે સંકલન કરી આ દુકાન સાત દિવસ માટે બંધ કરાવવાની રહેશે, જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવા માટે આરોગ્‍ય વિભાગને કલેકટરે જણાવ્‍યું હતું. આ ઉપરાંત જે સરકારી કચેરીઓમાં પોઝીટીવ કેસો નોંધાય તે કચેરીઓને સેનીટાઇઝ કરીને કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના ટેસ્‍ટીંગ કરાવવા જણાવ્‍યું હતું. કોરોનાના કેસો જે વિસ્‍તારમાં આવે તે વિસ્‍તારને હાઇ રીસ્‍ક અને લો રીસ્‍ક મુજબ કન્‍ટેમેન્‍ટ ઝોન નક્કી કરી જે તે વિસ્‍તાર અથવા વ્‍યકિતઓને કવોરોન્‍ટાઇન કરવાની  કામગીરી કરવા માટે આરોગ્‍યતંત્રને કલેકટરે ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું. જે વ્‍યકિતઓ કોરોનાના ટેસ્‍ટીંગમાં પોઝીટીવ આવ્‍યા હોય અને સ્‍થળાંતર કરી ગયા હોય તેવા વ્‍યકિતઓને જયાં સ્‍થળાંતર થયા હોય તે વિસ્‍તારના તાલુકાના આરોગ્‍ય અધિકારીને જાણ કરવાની રહેશે જેથી જે તે વિસ્‍તારમાં કોરોનાનો ફેલાવો થતો અટકાવી શકાય આ ઉપરાંત જે વ્‍યકિતઓ કોરોના પોઝીટીવ આવ્‍યા હોય અને તેમણે જે સંપર્ક મોબાઇલ નંબર નોંધણી કરાવેલ હોય તે નંબર પર તેઓ કોન્‍ટેક કરતાં મળતા ન હોઇ તો આવા વ્‍યકિતઓના નંબરો જે તે સંબધિત પોલીસ સ્‍ટેશનમાં આપી દેવા જોઇએ જેથી આવા વ્‍યકિતઓને પોલીસ વિભાગ દ્વારા સંપર્ક કરીને તેને કવોરોન્‍ટાઇન કરી શકાય. ભીલાડ પોલીસ સ્‍ટેશનમાં જે પોલીસ કર્મીઓ પોઝીટીવ આવ્‍યા હોય તે પોલીસ સ્‍ટેશનના તમામ પોલીસ કર્મીઓનો ટેસ્‍ટ કરાવીને તેને કન્‍ટેમેન્‍ટ ઝોનમાં મૂકવા માટે આરોગ્‍ય વિભાગને જણાવ્‍યું હતું. 

 આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ર્ડા. અનિલ પટેલ, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી નિલેશ કુકડીયા, કેતુલ ઇટાલીયા અને અનડુ ગોવિંદન, સીવીલના ડો. પ્રીતેશ અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ હાજર રહયા હતા. સીવીલ સર્જનશ્રી ભાવેશ ગોયાણી, તાલુકાના હેલ્‍થ ઓફિસરો અને તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચ્‍યુઅલી બેઠકમાં જોડાયા હતા.


No comments