ગ્રામ પંચાયત ચણોદના સરપંચ જીતેન્દ્રભાઇ માહયાવંશીને તેમના હોદ્દા ઉપરથી દૂર કરાયા
આ નોટીસમાં રજૂ થયેલા અલગ અલગ ૧૭ પ્રકરણો પૈકી કુલ-૮ પ્રકરણોમાં સરપંચશ્રીએ પોતાના સહી-સિક્કા કરી આપેલ છે. જે ૮ પ્રકરણ પૈકી ૫ (પાંચ) પ્રકરણોમાં નગર નિયોજક દ્વારા અપાયેલા અભિપ્રાય મુજબના નકશા તથા ગ્રામ પંચાયત ચણોદના સરપંચ દ્વારા મંજૂર કરેલ નકશા અલગ અલગ છે તથા નગર નિયોજક દ્વારા રહેણાંક હેતુ અંગે ગ્રાઉન્ડ તથા પ્રથમ માળ માટે અભિપ્રાય આપવામાં આવેલ છે જ્યારે સરપંચ દ્વારા ગ્રાઉન્ડ તથા પાંચ માળ માટે નકશા મંજૂર કર્યા છે. તેમજ ૩ (ત્રણ) પ્રકરણોમાં નગર નિયોજકનો અભિપ્રાય મેળવવામાં આવ્યો નથી. તેમ છતાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ, ચાર કે પાંચ માળ નકશા પર ગ્રામ પંચાયત ચણોદના સરપંચશ્રી દ્વારા સહી કરવામાં આવી છે. સદર બાબતે રજૂ અહેવાલની વિગતો જોતાં નગરનિયોજક તરફથી રજૂ થયેલા પ્લાનથી અલગ જ પ્લાન પર ઉક્ત ૮ કિસ્સાઓમાં સરપંચે પોતાના સહી-સિક્કા કરી આપ્યા છે. આ રીતે પોતાના હોદ્દાનો વારંવાર દુરૂપયોગ કરી, ગેરકાયદે બાંધકામોને આ પ્રકારના કૃત્યથી પ્રોત્સાહન આપેલું હોવાનું જણાઇ આવે છે તથા આ પ્રકારના નિયમ વિરુધ્ધના/ગેરકાયદેસર બાંધકામોને રોકવા પ્રયત્ન ન કરી આડકતરી રીતે ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપી પોતાની સત્તા બહારનું કૃત્ય તથા હોદ્દાનો દુરુપયોગ કરેલો હોવાનું જણાય છે. કુલ ૮ જગ્યાએ આ પ્રકારનું કાર્ય થયેલું હોય, તેઓ વારંવાર બેદરકારી અને હોદ્દાનો દુરુપયોગ કરતાં હોવાનું ઉક્ત વિગતે ફલિત થાય છે અને વારંવાર કસુરવાર જણાઇ આવે છે. જેથી સદર બાબત ગંભીર હોય, ઉદાહરણરૂપ દાખલો બેસાડવો જરૂરી જણાય છે. જે ધ્યાને લઇ સદર પ્રકરણ અન્વયે રૂબરૂ સુનાવણી બાદ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા ગ્રામ પંચાયત ચણોદના સરપંચને આજે ૦૮/૦૯/૨૦૨૧ના રોજ સરપંચશ્રીના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે.

No comments