આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે પ્રેસસેમિનાર યોજાયોઃ
‘‘વલસાડ જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન'' વિષય પર સેમિનારઃ
પત્રકારો એ લોકશાહીનો ચોથો સ્તંભ હોઇ, આજના ઝડપી સંદેશાવ્યવહારના સાંપ્રત સમયમાં કોઇપણ સમાચારની ખરાઇ કરીને જ સમાચારો પ્રજાને આપવાની જવાબદારી છે - જિલ્લા કલેકટરશ્રી - ક્ષિપ્રા આગ્રે
દેશની આઝાદીને ૨૦૨૨ માં ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે ‘‘વલસાડ જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન'' વિષય પર સંસ્કાર કેન્દ્ર હોલ, કોલેજ કેમ્પસ ખાતે પ્રેસ સેમિનાર યોજાયો હતો. આ અવસરે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ દીપ પ્રગટાવીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેમિનારને ખુલ્લો મૂકયો હતો.
આ પ્રેસ સેમિનારમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં કાર્યક્રમો યોજાઇ રહયા છે તેની જાણકારી આપીને દેશના સ્વાતંત્ર્યવીરોની કુરબાનીની યાદો તાજી કરીને આઝાદીના લડવૈયા પૂ. મહાત્મા ગાંધી અને લોકમાન્ય ટિળક વગેરે દેશનેતાઓએ દેશની આઝાદી માટે વેઠેલા સંઘર્ષો અને યાતનાઓ ધ્યાને રાખી આજના નાગરિકોએ આઝાદીનું જતન કરવા માટે અનુરોધ કર્યો હતો. શ્રીમતી આગ્રેએ અંગ્રેજોએ આઝાદીના લડતમાં યોગદાન આપનારા પત્રકારોનું ગળું ઘોંટવાના કરેલા નાપાક પ્રયાસને લોકમાન્ય ટિળકના કેસરી મુખપત્ર દ્વારા અંગ્રેજોના અત્યાચાર બાબતે પ્રજાને જાણકારી આપી આઝાદી પ્રત્યે અભિમુખ કરીને તેમને આઝાદીની લડતમાં જોડાવવા માટે પ્રેરક બન્યા હતા. આવા લડવૈયાઓને ધ્યાને રાખી આઝાદીનું જતન કરવાની પ્રત્યેક નાગરિકની ફરજ છે એમ જણાવ્યું હતું. આજના ઝડપી સંદેશાવ્યવહારના સાંપ્રત સમયમાં ઇલેકટ્રોનીક માધ્યમો તથા સોશીયલ મીડિયામાં સમાચારોની ખરાઇ કરીને જ પત્રકારોએ તેમના સમાચારો પ્રજાને પહોંચાડવાની તેમની નૈતિક જવાબદારી નિભાવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કેળવણીકાર અને લેખક એવા વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્યશ્રી ડૉ. જે. એમ. નાયકે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીને વર્ષ ૨૦૨૨ માં ૭૫ વર્ષ પૂરાં થશે એ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે તેનો ઉલ્લેખ કરી વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી એમ જણાવ્યું હતું. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્યાચારો અને યાતનાઓ વેઠી હતી તેની પૂર્વભૂમિકા રજૂ કરી વલસાડ જિલ્લાએ પણ આઝાદીની લડતમાં ધરાસણાના મીઠા સત્યાગ્રહોની યાદો તાજી કરી હતી. ૨૧ મી મે ૧૯૩૦ ના રોજ અંદાજે બે હજાર જેટલા સત્યાગ્રહીઓએ ધરાસણાના મીઠાના અગરો પર સામૂહિક દરોડો પાડયો હતો. પોલીસના અમાનુષી અત્યાચારથી ૧૩૨૯ જેટલા સત્યાગ્રહીઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં ભાઇલાલભાઇ પટેલ, નરોત્તમભાઇ પટેલ અને ભાણ હુલ્લા નામના સત્યાગ્રહીઓ શહીદ થયા હતા. જેમાં જિલ્લાના દામુભાઇ રાવજી, ઘેલાભાઇ દેસાઇ, દોલતરામ દેસાઇ, દિલખુશ દિવાનજી, ડૉ. અમૂલભાઇ દેસાઇ, કુસુમબેન દેસાઇ વગેરે લડવૈયાઓએ તેમનું યોગદાન આપ્યું હતું. આ સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓના અંગ્રેજોએ જેમ લાઠીથી માટલા ફોડે તેમ તેમના માથા ફોડયા હતા. આ સત્યાગ્રહ વિશે પંડિત મોતીલાલજીએ નોંધ્યું હતું કે, ધરાસણાનો કિસ્સો તવારીખમાં આપણા માટે ચિરંતન યશગાથાનો રહેશે અને નોકરશાહી માટે તે કદી ન ભૂંસાય એવી કાળી ટીલીની જેમ રહેશે. આ જિલ્લામાં પૂ. મહાત્મા ગાંધીએ તા. ૨૬-૪-૧૯૩૦ ના રોજ છરવાડા ગામે લોકોને ઉદ્દેશીને સંબોધન કરેલું કે, એમને મીઠા ચોરનો મોંઘેરો ઇલ્કાબ પણ મળેલો તેની યાદ કરી જિલ્લામાં પૂ. મહાત્મા ગાંધીજીએ વખતોવખત પ્રવાસ કરી જિલ્લાના વિવિધ સ્થળોએ દેશની આઝાદી માટે જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે વલસાડના સંસ્કૃતના વિદ્વાન, વેદોના જાણકાર, કેળવણીકાર, ચિંતક અને લેખક તરીકે જાણીતા ર્ડા. નરેશભાઇ ભટ્ટે દેશની આઝાદીના લડતમાં બલિદાન આપનાર સ્વાતંત્યવીરોની શહાદતનો ઉલ્લેખ કરી આજના સમયમાં દેશના લોકોએ આઝાદીનું જતન જાળવાય રહે તે જોવું જોઇએ અને સ્વાતંત્ર્યવીરોના દેશની આઝાદીની લડતમાં પ્રદાનને આજની નવી પેઢીએ જાણવું જોઇએ અને તે મુજબ નાગરિક તરીકેનો પોતાનો રાષ્ટ્રધર્મ બજાવવા માટે અનુરોધ કર્યો હતો. વલસાડ જિલ્લાના લોકોનું આઝાદીની લડતમાં યોગદાન બાબતે તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામકશ્રી રાજેન્દ્રભાઇ આર. રાઠોડે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની પૂર્વભૂમિકા આપી કાર્યક્રમનો ઉદેશ જણાવ્યો હતો. અને વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી અનિલભાઇ બારોટે આભારવિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રિતેશભાઇ ભરૂચાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ, ઇલેકટ્રોનીક મીડિયાના મીડિયાકર્મીઓ, જિલ્લા માહિતી કચેરી, વલસાડના કર્મીઓ હાજર રહયા હતા.

No comments