પ્રખર યોગાચાર્ય સ્વામી શ્રી અધ્યાત્મનંદજીનું દુઃખદ અવસાન
શ્રી દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ , શિવાનંદ આશ્રમ અમદાવાદ અને ગુજરાત દિવ્ય જીવન સંઘના પ્રમુખ સ્વામીશ્રી અધ્યાત્મનંદજી તા . ૮ મેના રોજ સવારે ૧૧ કલાક ૧૦ મિનિટે નશ્વર દેહ છોડીને બ્રહ્મલીન થયા છે . તેઓશ્રી સ્વામીશ્રી ચિદાનંદજીના શિષ્ય હતા . ૧૯૭૧ માં તેઓશ્રીની બ્રહ્મચારી તરીકે દીક્ષા થઇ હતી અને ૧૯૭૪ માં સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ . સ્વામીશ્રી શિવાનંદજી અને સ્વામીશ્રી ચિદાનંદજીના ભારતીય સંસ્કૃતિના વૈજ્ઞાનિક વારસો જેવા કે યોગ , પ્રાણાયામ અને ધ્યાનના પ્રચાર - પ્રસાર માટે અથાગ પ્રયાસ જીવનભર કરતા રહ્યા . સ્વામીજીના ૮૧૪ જેટલા યોગાસન અને ધ્યાનના કેમ્પ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલા . તેઓની વિશેષ રુચિ રક્તદાન તેમજ વૃક્ષારોપણમાં રહી હતી તેઓએ પોતે ૧૧૭ વખત રક્ત દાન કરેલ તથા ર ૯ ર રક્તદાન કેમ્પ તેમના હસ્તક યોજવામાં આવેલ . કાર્યક્રમ દરમ્યાન સન્માનમાં ફૂલનો હાર કે બુકે સ્વીકારતાં નહીં અને આયોજકો ફળ કે ફૂલના છોડ આપી સન્માન કરે તેવો આગ્રહ રાખતા . શિવાનંદ આશ્રમનો બગીચો અને લીલોતરી તેમના પર્યાવરણ તરફના પ્રેમને આભારી છે . તેઓના યોગાસનના કેમ્પ યુનિવર્સીટીઓમાં , કોલીઅરી માઇન્સ , ભારતીય સશસ્ત્ર સેનાઓ તેમજ આઈ.એ.એસ , માસુરી તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલા . લેહ - લદ્દાખ , કારગિલ , પંચ ખાતે પણ સ્વામીજીના યોગાસન કેમ્પ યોજાયેલા . તેઓના વખતો વખત સત્સંગ ગીતા , ઉપનિષદ તથા ભાગવત ઉપર યોજાતા . તેમના ગીતા નવનીતમ પુસ્તકને ૨૦૦૩ માં ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા " મહર્ષિ અરવિદ ગોલ્ડ મેડલ " એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા . સને ૨૦૧૬ માં ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દ્વારા " ગ્લોરી ઓફ ગુજરાત " એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા . દેશ - વિદેશમાં અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલા . ૨૦૦૯ માં સ્વામીજીએ બેઇજિંગ , ચીનમાં શાહકારી પરિષદનું આયોજન કરેલ . શિવાનંદ આશ્રમ અમદાવાદમાં તેઓશ્રીના ગુરુ સ્વામીશ્રી ચિદાનંદજીના આદેશથી ૧૯૯૫ માં આગમન થયું . ત્યારબાદ આશ્રમનો ઉત્તરોઉત્તર વિકાસ થયો અને દેશ - વિદેશથી લોકો યોગાસન શીખવા આશ્રમમાં સ્વામીજીને કારણે આવતા . આશ્રમમાં શ્રી શ્રી અષ્ટલક્ષ્મી- આદીલક્ષ્મી મંદિરની સ્થાપના ઉપરાંત શિવજી તેમજ હનુમાનજીના મંદિરોની સ્થાપના તથા ચિદાનંદમ ભવન અને ચિદાનંદ ધ્યાનમંદિર નિર્માણ પામેલ છે . સ્વામીજીના દુઃખદ અવસાનથી આશ્રમને પુરી ન શકાય તેવી ખોટ પડી છે અને તમામ ટ્રસ્ટીઓ અને ભક્તો દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે . પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના . વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પણ સ્વામીજીની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે .

No comments