Translate

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ અંગે જાણકારી કે ફરિયાદ નિવારણ માટે ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

 


કોવિડ-૧૯ સંલગ્ન આરોગ્‍ય વિષયક જાણકારી માટે www.iec-valsad.gecv.ac.in વેબસાઈટ કાર્યરત

વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ-૧૯ બાબતે સરકારની સૂચનાઓ અનુસાર કોરોના સંક્રમણને નિયંત્રિત રાખવા માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહયાં છે. વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ માહિતી સંદર્ભમાં ઇન્‍ફર્મેશન એજ્‍યુકેશન અને કમ્‍યુનિકેશન (આઇ.ઇ.સી.) સેલ અને જનતા/ લોકોની ફરિયાદ નિવારણ માટે ૨૪ કલાક માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્‍યો છે. વલસાડ જિલ્લા માટે કોવિડ-૧૯ ના સંદર્ભે માહિતી,  ફરિયાદ કે પૂછપરછ માટે ૦૨૬૩૨-૨૫૭૪૦૦ સંપર્ક કરી શકાશે. 

કોરોના પૉઝીટિવ આવેલા નાગરિકોને ૧૪ દિવસ હૉમ આઇસોલેશન ફરજિયાત રહેવા અને તેના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે, જે ધ્‍યાને રાખી વલસાડ જિલ્લાના કોવિડ-૧૯ આઇ.ઇ.સી. સેલ દ્વારા એસ.એમ.એસ.ના માધ્‍યમથી જાણ કરી તેઓને કોવિડ-૧૯ વિશેની અદ્યતન જાણકારી આપી અને પ્રબુદ્ધ નાગરિક તરીકે નિયમોનું પાલન કરવા જણાવવામાં આવશે. વધુમાં વલસાડ જિલ્લાના નાગરિકોને આરોગ્‍ય વિષયક અદ્યતન જાણકારી સહેલાઈથી મળી શકે તે માટે www.iec-valsad.gecv.ac.in વેબસાઈટ પણ  તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટ ઉપર કોવિડ-૧૯ સંલગ્ન આરોગ્‍ય વિષયક જાણકારી, કોરોના માર્ગદશિકા, અગત્‍યની સૂચનાઓ અને જાણકારી ઉપરાંત આર.ટી.-પી.સી.આર., રેપિડ ટેસ્‍ટ, એચ.આર.સી.ટી. જેવા જરૂરી ટેસ્‍ટ કરવાના સ્‍થળોની વિગત, કોવિડ-૧૯ હોસ્‍પિટલની હેલ્‍પ નંબર સાથેની યાદી, વેક્‍સિનેશન કરતા કેન્‍દ્રોની યાદી સહિત અન્‍ય કોવિડ-૧૯ને આનુષાંગિક વિગતોની માહિતી ઉપલબ્‍ધ કરવામાં આવશે. આ સેવાનો જિલ્લાના નાગરિકોને બહોળો લાભ લેવા જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ. વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા તેમજ લાઇઝન ઓફિસર અને સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય ડો.વી.એસ.પુરાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

No comments