Translate

સરકારી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે અને પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળની હોસ્‍પિટલોમાં રૂા.૨૫૦ ચાર્જ લઇને વેકસીન લઇ શકાશે



 તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪પ થી ૬૦ વર્ષ સુધીની વયની કો-મોર્બિડીટી ધરાવતી વ્‍યક્‍તિઓને કોવિડ-૧૯ વેક્‍સીન આપવામાં આવશે

 સમગ્ર દેશ અને રાજ્‍યમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે રક્ષણ માટે કોવીડ-૧૯ રસીકરણ અભિયાન તા.૧૬/૦૧/૨૦૨૧ થી શરૂ કરવામાં આવ્‍યું છે. જેમાં શરૂઆતના તબક્કામાં હેલ્‍થ કેર વર્કર અને ફન્‍ટ લાઈન વર્કરને વેક્‍સીન આપવામાં આવી છે. હવે પછી ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી વ્‍યક્‍તિઓ તથા ૪પ થી ૬૦ વર્ષ સુધીની વયની કો-મોર્બિડીટી ધરાવતી વ્‍યક્‍તિઓને કોવિડ-૧૯ વેક્‍સીન આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં સરકારી તથા પ્રધાન મંત્રી જનઆરોગ્‍ય યોજનામાં જોડાયેલી હોસ્‍પિટલોમાં સરકારશ્રીની ગાઈડલાઈન્‍સ મુજબ કોવીડ વેકિસનેશન સેન્‍ટર શરૂ કરી તા.૦૧/૦૩/૨૦૨૧ થી સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ વાગ્‍યા સુધી કોરોનાની રસી આપવામાં આવશે. જેમાં વલસાડ તાલુકામાં કસ્‍તુરબા હોસ્‍પિટલ, આદર્શ હોસ્‍પિટલ, અમિત હોસ્‍પિટલ, પારડી તાલુકામાં નાડકર્ણી હોસ્‍પિટલ, વાપી તાલુકામાં હરિયા એસ જી રોટરી હોસ્‍પિટલ, સેલ્‍બી હોસ્‍પિટલ, શ્રેયસ મેડીકેર (જનસેવા હોસ્‍પિટલ), ૨૧ સેન્‍ચુરી હોસ્‍પિટલ અને રેમ્‍બો હોસ્‍પિટલ, ઉમરગામ તાલુકામાં શ્રીજી હોસ્‍પિટલ તથા ધરમપુર તાલુકામાં શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં આવેલા તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, અર્બન હેલ્‍થ સેન્‍ટરો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ સ્‍ટેટ હોસ્‍પિટલ ધરમપુર અને સિવિલ હોસ્‍પિટલ, વલસાડ ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવશે.
પ્રથમ દિવસે સેશન સાઈટ નક્કી કરી ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી વ્‍યક્‍તિઓ તથા ૪૫ થી ૬૦ વર્ષ સુધીના વયની કો-મોર્બિડીટી ધરાવતી વ્‍યક્‍તિઓને કોવિડ-૧૯ રસી/વેક્‍સીન આપવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. સરકારી આરોગ્‍ય સંસ્‍થાઓમાં કોવીડ-૧૯ રસી વિના મુલ્‍યે જ્‍યારે ખાનગી હોસ્‍પિટલોમાં કોવીડ-૧૯ રસી રૂપિયા ૧૦૦/-વહીવટી ચાર્જ તથા ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા વેક્‍સિન ચાર્જ રૂપિયા ૧૫૦/- એમ કુલ ચાર્જ ૨૫૦/-રૂપિયા ચૂકવવાનો રહેશે. આ વેક્‍સિન લેવા માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કોવીન પોર્ટલ/આરોગ્‍ય સેતુ એપ મારફતે અને જે-તે કોવિડ વેક્‍સિનેશન સેન્‍ટર મારફત રજીસ્‍ટ્રેશન કરી શકાશે.
કોવિડ વેકિસનેશનનાં રજીસ્‍ટ્રેશન માટે સરકાર માન્‍ય કોઈ પણ એક ઓળખપત્ર જેવા કે, મતદાર કાર્ડ, પાન કાર્ડ, પાસ પોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્‍સ, આધારકાર્ડ વગેરે સાથે રાખવાના રહેશે.
     કો-મોર્બિટીની પાત્રતા માટે રજીસ્‍ટર્ડ મેડીકલ પ્રેક્‍ટીશનરનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે. જેમાં છેલ્લા એક વર્ષમાં હોસ્‍પિટલમાં હાર્ટ એટેક થવાથી દાખલ થયેલ વ્‍યક્‍તિ, હાર્ટમાં સ્‍ટેન્‍ડ મુકાવેલ વ્‍યક્‍તિ, Significant Left ventricular systolic dysfunction (LVEF<40%) હદયના વાલની બીમારી (માધ્‍યમ અને ગંભીર બિમારી ધરાવતા ) વ્‍યક્‍તિ, જન્‍મજાત હદયની બીમારી ધરાવતા વ્‍યક્‍તિ કે હાયપરટેન્‍શન અને ડાયાલીસીસની ચાલુ સારવાર અને કોરોનરી આર્ટરી ડીસીઝ ધરાવતા વ્‍યક્‍તિ, હૃદય રોગના હુમલા વાળા (હાયપરટેન્‍શન અને ડાયાબીટીસની સારવાર સાથે ) વ્‍યક્‍તિ, લકવાની બીમારી (CT/MRI હાયપરટેન્‍શન અને ડાયાબીટીસની સારવાર સાથે ) વ્‍યક્‍તિ, પલ્‍મોનરી આર્ટરી હાયપરટેન્‍શનની સારવાર લેતા વ્‍યક્‍તિ, ડાયાલીસીસની ૧૦ વર્ષથી વધારે સારવાર લીધેલી હોય તેવી કોમ્‍પ્‍લીકેશનવાળા વ્‍યક્‍તિ, કિડની/લીવર / હિમેટોમોએટીક સ્‍ટેમસેલ ટાન્‍સપ્‍લાન્‍ટની સારવાર ધરાવતા વ્‍યક્‍તિ, કિડનીનાં રોગવાળા જે ડાયાલીસીસની સારવાર લેતા હોય એવા વ્‍યક્‍તિ કે લાંબા સમય સુધી કોર્ટીકોઈડ સ્‍ટીરોઈડ અને ઈમ્‍યુનો સપ્રેશનની દવા લેતા વ્‍યક્‍તિ, લીવરના સીરોસીસ ધરાવતા વ્‍યક્‍તિ, છેલ્લા બે વર્ષમાં સિવિયર રેશપીરેટરી ડીસીઝ માટે હોસ્‍પિટલમાં દાખલ થયેલી વ્‍યક્‍તિ, લીમ્‍ફોલ્‍યુકેમિયા અને માયલોમાવાળા દર્દી, તા.૧ જુલાઈ, ૨૦૨૦ પછી કેન્‍સરની સારવાર લેતા વ્‍યક્‍તિ, એચ.આઇ.વી.ની બીમારી ધરાવતા વ્‍યક્‍તિ, ગંભીર બીમારી અને ડીસેબિલીટી ધરાવતા અને બહેરા મૂંગા વ્‍યક્‍તિઓનો સમાવેશ થાય છે.
આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા વલસાડના હેલ્‍પ લાઈન નંબર ૦૨૬૩૨-૨૫૩૩૮૧ પર સંપર્ક કરી શકાશે.

No comments