Translate

વલસાડ જિલ્લામાં અન્‍ય રાજ્‍ય તેમજ વિદેશથી આવનારા તમામનું ફરજિયાત સ્‍ક્રીનિંગ કરવામાં આવશે

 


કોરોના સંક્રમણને વધતું રોકવા સૌને સહયોગ આપવા જિલ્લા આરોગ્‍ય અધિકારીની અપીલ
 વલસાડ જિલ્લાની દક્ષિણે આવેલા મહારાષ્‍ટ્ર રાજ્‍યમાં કોરોનાની હાલમાં સ્‍થિતિ બગડતાં અન્‍ય રાજ્‍યમાંથી આવતા લોકોનું આરોગ્‍ય વિભાગ દ્વારા ફ૨જીયાત સ્‍ક્રીનિંગ કરવામાં આવશે, એમ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ. અનિલ બી. પટેલ દ્વારા જણાવાયું છે. કોરોનાનો સળવળાટ ફરીથી ધીમી ગતિએ થઈ રહયો છે અને જિલ્લાની અડીને આવેલા રાજ્‍યમાં સ્‍થિતિ વકરવા માંડી છે ત્‍યારે મહારાષ્‍ટ્ર તથા વિદેશથી આવતા તમામ લોકોએ ફરજિયાત સ્‍ક્રીનિંગ કરાવવાનું રહેશે. જેના માટે તાલુકા કક્ષાએથી ટીમોનું ગઠન કરી વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. 
કોરોનાના વળતા હુમલા સામે સંઘર્ષ કરવા માટે સૌને સહકાર આપવાનો અનુરોધ કરતાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીએ કોરોના સંક્રમણને વધતું રોકવા માસ્‍ક ફ૨જિયાત પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવવા, તેમજ મોટી સંખ્‍યામાં અવરજવર કરતાં હોઈ/ માનવમેદની ભેગી થતી હોય એવા સ્‍થળોએ ન જવા ઉપરાંત નો-માસ્‍ક, નો એન્‍ટ્રીનો કડક અમલ કરાવવા માટેનાં તમામ જરૂરી સુચનાઓનું પાલન કરવા પણ વધુમાં જણાવ્‍યું છે.
વલસાડ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતાં જિલ્લા આરોગ્‍ય અધિકારીએ જણાવ્‍યું છે કે, આપની આસપાસ વિદેશથી અથવા અન્‍ય કોઈપણ રાજયમાંથી આવેલા વ્‍યક્‍તિઓની જાણકારી મળતાં તાત્‍કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ નં. ૦૨૬૩૨-૨૫૩૩૮૧ ઉ૫૨ સંપર્ક ક૨વાનો રહેશે.
વલસાડ જિલ્લામાં ગતરોજ ૦૯ કેન્‍દ્રો ઉપરથી ૪૯૮ વ્‍યક્‍તિઓને કોરોનાની ૨સી આપવામાં આવી હતી. અત્‍યાર સુધીમાં ૨૩,૦૦૬ વ્‍યક્‍તિઓને કોરોના પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે. જેમાંથી કોઈને ગંભીર આડઅસ૨ જોવા મળી નથી.

No comments