Translate

વલસાડ જિલ્લાના બર્ડ-ફલુ સંક્રમિત વિસ્‍તારોમાં પ્રતિબંધાત્‍મક આદેશો



વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના સુગડ ફળિયા જુના કોસંબા રોડ, વલસાડ  તેમજ અટગામ નજીક રીઝર્વ ફોરેસ્‍ટ કેનાલ પાસે મળી આવેલ મૃત કાગડાના સેમ્‍પલનું પરિણામ positive for Avian Influenza Virus by real time RT-PCR and RT-PCR આવ્‍યો છે. આ એવિયન ઇલુએન્‍ઝા દ્ધારા બર્ડ ફલુનો રોગ અન્‍ય પક્ષીઓમાં પણ ફેલાવાની શક્‍યતા રહેલી છે. આ રોગ મુખ્‍યત્‍વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલદીથી પ્રસરી શકે છે. આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોશ્વાસ સંબંધે તથા આંખોમાં લાલાશ જેવા ચિન્‍હો જણાય છે. જેમાં ખાંસી, નાકમાંથી પાણી પડવું, નબળાઇ જેવા ચિન્‍હો જોવા મળે છે. આ રોગ ચેપી પક્ષીનાસ્ત્રાવ અઘારના સંપર્કમાં તથા આવા પક્ષીના સંપર્કમાં આવેલ ખોરાક પાણી વસ્‍તુઓના સંપર્કથી અન્‍ય પક્ષીઓમાં ફેલાઇ શકે છે. આ રોગચાળો ભાગ્‍યે જ માણસમાં ફેલાય છે. બર્ડ ફલુ સંકમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનારા મનુષ્‍યને લાગવાની પૂરી શક્‍યતાને ધ્‍યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્‍યક છે. જેથી આ રીતે આ ગંભીર ચેપી રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે જાહેર હિતમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલા અધિકારની રૂએ વલસાડ તાલુકાના સુગડ ફળિયા જુના કોસંબા રોડ, વલસાડ તેમજ અટગામ રીઝર્વ ફોરેસ્‍ટ કેનાલના આજુબાજુના એક કિલોમીટરના ત્રિજયાવાળા (ચેપગ્રસ્‍ત વિસ્‍તાર) મહેસુલી વિસ્‍તારમાં તા.૧૧/૧/૨૦૨૧થી ૬૦ દિવસ અથવા બીજા ફરમાન ન થાય ત્‍યાં સુધી કેટલાક કૃત્‍યો કરવાનો પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

 જે અનુસાર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં તકેદારીના ભાગરૂપે મરઘાં પાલનને લગતી કોઇ પણ પ્રવૃતિ જેવી કે ઇંડા,  મરઘાં, મરઘાંની અગાર તથા મરઘાં ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઇ જવા પર પ્રતિબંધ રહેશે. અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં પૉલ્‍ટ્રી સાથે કામ કરતા માણસોએ ખેસ, માસ્‍ક, મોજા, ગમ બૂટ, ડિસ્‍પોઝેબલ ગ્‍લાસ જેવા રક્ષણાત્‍મક પહેરવેશ પહેરવાના રહેશે. અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં અંદર કે બહાર જવાની અવરજવર અનિવાર્ય સંજોગોમાં જ કરવાની રહેશે, અન્‍યથા પ્રતિબંધિત ગણાશે. અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાની રહેશે. અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં ચેપ ન લાગે તે માટેના તમામ રક્ષણાત્‍મક તકેદારીના પગલાં દરેકે લેવાના રહેશે.

ઉપરોકત તમામ પ્રકારના પ્રતિબંધોનું ચુસ્‍ત પણે અમલવારી થાય તે માટે સંબંધિત વિભાગો જેવા કે પોલીસ વિભાગ, પશુપાલન વિભાગ, વન વિભાગ, જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકા તથા સંબધિતોએ નિયમોનુસાર કાર્યવાહી કરવાની રહેશે.

આ જાહેરનામાની જોગવાઇઓ વહીવટી તંત્ર દ્વારા ફરજના ભાગરૂપે અધિકૃત કરાયેલ સરકારી ફરજ ઉપરની વ્‍યક્‍તિ તથા વાહનો (સરકારી / ખાનગી સહિત) ને લાગુ પડશે નહીં, આમ છતાં તેઓએ સકારશ્રીની સુચના મુજબની તમામ તકેદારી રાખવાની રહેશે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇઓ હેઠળ સજાને પાત્ર ઠરશે.

No comments