વલસાડ જિલ્લામાં તા.૧૬ મી જાન્યુઆરીના રોજ છ સ્થળોએ વેકસિનેશનની શરૂઆત કરાશે
વલસાડ જિલ્લામાં તા. ૧૩ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ પુનાની સિરમ ઇન્સ્ટીટયુટની કોવિશીલ્ડ રસીનો જથ્થો આવી ગયો છે. તા. ૧૬ મી જાન્યુઆરીના રોજ જિલ્લાના વિવિધ છ સ્થળોએ વેકસિનેશન યોજાશે. આ વેકસિનેશનના સ્થળો એવા ઉમરગામ તાલુકામાં પ્રા.આરોગ્ય કેન્દ્ર દેહરી આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, વલસાડ તાલુકાના પ્રા.આરોગ્ય કેન્દ્ર ધરાસણા ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ, પારડી તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર પારડી ખાતે ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, વાપી તાલુકામાં અર્બન હેલ્થ સેન્ટર ડુંગરા, ધરમપુર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ ધરમપુર ખાતે ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ અને કપરાડા તાલુકામાં પ્રા.આરોગ્ય કેન્દ્ર માંડવા ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી ઉપસ્થિત રહી હેલ્થ વર્કરોને વેકસિનેશનની શરૂઆત કરાવશે. પ્રથમ ૧૦ દિવસમાં પહેલા તબકકાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. દૈનિક ૬૦૦ જેટલા વર્કરોને રસી આપવામાં આવશે. સૌ પ્રથમ ફ્રન્ટલાઇન વર્કરોને અને પછી ૫૦ વર્ષથી વધુ વયની વ્યકિતઓને રસી આપવામાં આવશે. જયારે અન્ય લોકોને પાછલા તબકકામાં આપવામાં આવશે.
વલસાડ જિલ્લામાં અંદાજીત ૧૩૨૬૨ હેલ્થ વર્કરો, ૫૦થી વધુ વયના ૩,૧૭,૪૬૮ વ્યકિતઓ, ૫૦ થી ઓછી વયના કો-મોર્બિડ ૨૨,૦૬૮ જેટલા છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ ૨૮ દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. જેની જાણ એસએમએસ દ્વારા કરવામાં આવશે. આ કોવિશીલ્ડ રસી લગાવવા માટે કોવીન એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન અને વેકસીનેશન સમયે સરકારી ફોટો આઇડી ફરજીયાત રહેશે. રસીકરણ બાદ ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ રૂમમાં બેસવું પડશે. જો કોઇ પણ આડઅસર જણાય તો તાત્કાલિક સારવાર આપવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વલસાડ દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦

No comments