Translate

કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સાંજના ૫-૦૦ વાગ્‍યા સુધીમાં ૬૯.૨૩ ટકા જંગી મતદાન

 


મતદાન સમયે મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.રાવલ



વલસાડ જિલ્લાના ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠક માટેની પેટા ચૂંટણી અંતર્ગત આ મત વિભાગમાં સમાવિષ્‍ટ તમામ વિસ્‍તારોમાં વહેલી સવારથી જ મતદારોએ મતદાન કરવા માટે લાઇનો લગાવી દીધી હતી. જેથી સવારના ૭-૦૦ થી સાંજના ૫-૦૦ વાગ્‍યા સુધીમાં નોંધાયેલા મતદાનમાં ૮૭૪૨૯ પુરુષો અને ૮૨૭૦૨ સ્ત્રીઓ મળી કુલ ૧૭૦૧૩૧ મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતાં પુરુષોનું ૭૦.૨૧ ટકા અને મહિલાઓનું ૬૮.૨૨ ટકા મળી કુલ ૬૯.૨૩ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું. 



વલસાડ જિલ્લામાં ૧૮૧-કપરાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્‍તારની પેટા ચૂંટણી ન્‍યાયી, નિષ્‍પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.આર.રાવલના માર્ગદર્શન અને નિગરાની હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા.૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાનના દિવસે કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે મતદાન કેન્‍દ્રો અને ચેકપોસ્‍ટ ખાતે મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યું હતું. 

કોવિદ-૧૯ની માર્ગદર્શિકાને અનુસરીને થયેલા મતદાન નિરીક્ષણ વેળાએ જિલ્લા કલેક્‍ટરશ્રી આર.આર.રાવલે મતદારો સાથે ચર્ચા કરી તેમના મંતવ્‍યો જાણ્‍યા હતા. મોટાપોંઢા-કરસન ફળિયા ખાતે એક વયોવૃદ્ધે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા અંગેની જાણકારી પણ કલેક્‍ટરશ્રીએ લીધી હતી. વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ થકી ચૂંટણી પ્રક્રિયા દૂષિત ન થાય તે માટે વિધાનસભા મતવિસ્‍તારની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સંઘપ્રદેશ દાદરા-નગર-હવેલી ઉપર ઊભી કરાયેલી ચેકપોસ્‍ટની મુલાકાત પણ લીધી હતી.

No comments