કોંગ્રેસના દિગ્ગજ નેતા, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું અવસાન
કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અવસાન થયું છે. 71 વર્ષીય અહેમદ પટેલને એક મહિના પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને ત્યારથી તેમની સ્થિતિ સતત વણસી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેમના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
એક ટ્વીટમાં તેમના દીકરા ફૈઝલ શેખે બુધવારે સવારે 3.30 કલાકે અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે દિગવંત નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કોવિડ પ્રોટોકોલ અનુસાર લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા માટે પણ અપીલ કરી હતી. અહેમદ પટેલ મૂળ ભરુચના છે, અને તેઓ ભરુચ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.
અહેમદ પટેલ કોંગ્રેસના ખજાનચી પણ હતા, તેમજ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ. 1 ઓક્ટોબરના રોજ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, અને 15 નવેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરાયા હતા.
PM મોદીએ સ્વર્ગીય નેતાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે હું તેમના અવસાનથી દુ:ખી છું. તેમણે જાહેરજીવનમાં વર્ષો વિતાવ્યા, અને સમાજની સેવા કરી. તેઓ પોતાની વિચક્ષણ બુદ્ધિ માટે જાણીતા હતા અને કોંગ્રેસને મજબૂત બનાવવા માટે તેમણે નીભાવેલી ભૂમિકા માટે તેમને યાદ રખાશે.

No comments