કોવિદ-૧૯ની ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલની સુચના
વલસાડ જિલ્લામાં કોવિદ-૧૯ કામગીરીની સમીક્ષા બેઠક મળી
રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણ તથા તહેવારોમાં લોકોની થતી ભીડ અને આવન-જાવનથી કોરોના સંક્રમણ વધવાનો ભય રહેલો છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે કોવિદ-૧૯ અંગેની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજી હતી.
આ બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલે કોવિદ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા અધિકારીઓને કડકમાં કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે. પ્રવાસન સ્થળો તથા જિલ્લાના પ્રવેશ દ્વારો ઉપર સ્ક્રીનિંગ અને ટેસ્ટ કરવા સહિતની કામગીરી કરવા, વાહનોમાં એસઓપી મુજબના જ મુસાફરો બેસાડવા, આરટીઓ વિભાગને સતત વાહન ચેકિંગ કરવા, માસ્ક ફરજિયાત પહેરવા, દિવાળી બાદ શરૂ થતા ધંધા-રોજગાર કે ઇન્ડસ્ટ્રીઝમાં આવતા કામદારોનું તબીબી પરીક્ષણ કરવા, વેપારીઓ કે દુકાનદારો ફરજિયાત કોવિદ-૧૯ની ગાઇડલાઇનને અનુસરે તે માટે સબંધિત અધિકારીઓને ટીમ બનાવી સતત ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જિલ્લામાં જયાં પણ કોરોનાના કેસનું પ્રમાણ વધે તો તેને અટકાવવા એકશન પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે આરોગ્ય વિભાગને વધુ સતર્કતાથી કામગીરી કરી સમયાંતરે કામગીરીનો અહેવાલ આપવા જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ કોવિદ-૧૯ની ગાઇડલાઇનના પાલન સંદર્ભે જયાં પોલીસ વિભાગની જરૂરીયાત હોય તે તમામ વ્યવસ્થા પુરી પડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બેઠમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, પ્રાંત અધિકારીઓ સહતિ આરોગ્ય વિભાગના ડોકટર્સ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.

No comments