ભાજપને કોરોનાનું ગ્રહણ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાના લક્ષણ
એક તરફ ગુજરાતમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે તેવા સમયે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જંગી રેલીઓ કરી ચર્ચામાં આવેલા ભાજપના નેતા સી.આર. પાટીલમાં કોરોનાના લક્ષણ દેખાતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સી. આર. પાટીલ ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં એડમિટ થયા છે. પાટીલને કોરોના થતાં તેમના સંપર્કમાં આવનારા ભાજપના હજારો કાર્યકરો ઉપરાંત સીનિયર નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા છે.
સીઆર પાટીલે આજે પોતાને નબળાઈ લાગતી હોવાની ફરિયાદ કરતા તેમને એપોલોમાં લઈ જવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, પાટીલનો સિટી સ્કેન કરવામાં આવ્યો છે, અને તેમને કોરોના છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે RTPCR ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ હજુ નથી આવ્યું. આમ તો પાટીલ પર એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો, જેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. મહત્વનું છે કે એન્ટિજન ટેસ્ટનો રિપોર્ટ 15 મિનિટમાં આવી જાય છે. જો કે પાટીલમાં કોરોનાના લક્ષણો જણાતા હોઈ અગમચેતીના ભાગ રુપે તેમનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
સીઆર પાટીલને તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. ત્યારબાદ તેમણે સૌરાષ્ટ્રમાં જંગી રેલી કરી હતી. પાટીલની રેલીમાં હજારો કાર્યકરો ઉમટ્યા હતા, અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં થયેલી આ રેલીઓ પર ઉઠેલા સવાલને ના ગણકારતા પાટીલે ઉત્તર ગુજરાતમાં પણ જંગી રેલીઓ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. પાટીલની સાથે રેલીઓમાં ભાજપના સીનિયર નેતાઓ પણ સામેલ રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રવાસમાં તેમની સાથે ગોરધન ઝડફિયા સહિતના સૌરાષ્ટ્રના નેતાઓ હાજર હતા, જ્યારે ઉત્તર ગુજરાતમાં તો પાટીલની એક રેલીમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પાટીલ સાથે હાજર રહ્યા હતા.
કમલમમાં 7 કોરોના પોઝિટિવ
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

No comments