વલસાડના તીથલ બીચ ખાતે બીચ ફેસ્ટિવલનો ઉદઘાટન સમારોહ યોજાયો
ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છેઃ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર
વલસાડના તિથલ બીચ ખાતે તા. ૨૧મી ઓક્ટોબરથી થી ૪ નવેમ્બર, ૨૦૧૯ દરમિયાન યોજાનાર બીચ ફેસ્ટિવલનો વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે શુભારંભ કરાવ્યો હતો.
આ અવસરે રમણભાઇ પાટકરે કાર્યક્રમનો મુળ ઉદ્દેશ સમજાવતાં જણાવ્યું હતું કે, ટુરિઝમક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે. પ્રજાને નવાવર્ષ અને દિવાળીની સારી શરૂઆત થાય, વેકેશનમાં પરિવાર સાથે બાળકો કાર્યક્રમો માણી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક સ્થળો તેમજ ઐતિહાસિક સ્થળોનો વિકાસ માટે વિશેષ બજેટની ફાળવણી કરવામાં આવી છે. તિથલ બીચ સહિત અનેક પ્રવાસધામના વિકાસને વેગ આપવા સરકારના પ્રયાસો રહયા છે. તિથલ બીચનો વિકાસ પ્રવાસન ક્ષેત્ર માટે સુવર્ણ તક છે. બીચ ફેસ્ટીવલની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
સાંસદ ડૉ.કે.સી.પટેલ તેમજ ધારાસભ્ય ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં બીચ ફેસ્ટીવલનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
વલસાડ કલેકટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, દિવાળીના વેકેશનનો સમય હોય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે તે માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં અનેક આકર્ષણો હોઇ વધુમાં વધુ લોકો ભાગ લેશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
બીચ ફેસ્ટિવલ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકામ હરિફાઇ, રેતકલા, બાળ રમતો, બીચ વોલીબોલ, રોપ કલાઇમ્બિંગ, ટાયર કલાઇમ્બિંગ, ઝોબિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બીચ બેલેન્સિંગ, બર્મા બ્રીજ ઊંટ સવારી, ઘોડેસવારી, વગેરે સાહસિક પ્રવૃત્તિઓ પણ યોજાશે. આ ઉપરાંત ક્રાફટ સ્ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર પણ રાખવામાં આવ્યા છે. રોજ સાંજે ૬-૦૦ થી ૭-૩૦ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો બહોળી સંખ્યામાં લાભ લેવા પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ અવસરે મનમોહક સાંસ્કૃતિક રજૂ કરાયો હતો, જેનો ઉપસ્થિત સહેલાણીઓએ મનભરીને માણ્યો હતો.
આ અવસરે સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ, તિથલ પરિસર પ્રવાસન સમિતિ મંડળના પ્રમુખ અને તિથલના સરપંચ આરતીબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ પંકજભાઇ આહિર, જિલ્લા ચિલ્ડ્રન વેલ્ફેર કમિટિના ચેરમેન સોનલબેન સોલંકી, પ્રવાસન વિભાગના અધિકારી/ કર્મચારીઓ, સહેલાણીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.


No comments