Translate

ચણવઇ ગામે સુજલામ-સુફલામ યોજના હેઠળ ઊંડા કરાવેલા તળાવમાં નવા નીરના વધામણાં કરતા આદિજાતિ રાજ્‍ય મંત્રી રમણલાલ પાટકર


    વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચણવઇ ગામે ઊંડા કરાયેલા તળાવમાં નવા નીરના વધામણા વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે કરાયાં હતાં. આ અવસરે તળાવની પાળે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, દર વર્ષે ઊનાળાની સીઝનમાં પડતી પાણીની તકલીફને નિવારવા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજાજનોની સતત ચિંતા કરી સુજલામ-સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાનું અભિયાન ઉપાડયું હતું. વલસાડ જિલ્લામાં આ વર્ષે થયેલી તળાવ ઊંડા કરવાની કામગીરીથી ૧૩.૧૭ મીલીયન ઘનફૂટ પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો છે, જેનાથી ગામોમાં કુવા અને બોરના પાણીના તળ ઊંચા આવશે. નળ સે જળ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી મળે તે પ્રકારનું ચોક્કસ આયોજન સરકારે કર્યું છે. લોકોપયોગી અને જનહિતલક્ષી નિર્ણય લેવામાં રાજ્‍ય સરકાર અગ્રેસર છે ત્‍યારે દરિયા કિનારાના સાત જેટલા સ્‍થળોએ ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્‍ટ હાથ ધરાનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.  આઠ મહાનગરપાલિકાઓમાં રોજના વપરાશનું પાણી રીસાયકલિંગ કરી ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાનો રાજ્‍ય સરકારે નિર્ણય લીધો છે. 
ધારાસભ્‍ય ભરતભાઇ પટેલે વલસાડ તાલુકામાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપતાં જણાવ્‍યું હતું કે, સુજલામ-સુફલામ જયસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડા કરાવવાની કામગીરી થતાં ગામોમાં સિંચાઇ અને  પીવાના પાણીની સમસ્‍યામાંથી છૂટકારો મળશે.
વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણે જણાવ્‍યું હતું કે, ધરમપુર અને કપરાડા તાલુકાના ડુંગરાળ વિસ્‍તારોમાં જળ સંચય માટે કન્‍ટુર સ્‍ટ્રેન્‍ચ બનાવવાની સાથે કાજુના વૃક્ષોનું વાવેતર કરાયું હતું. સુજલામ-સુફલામ યોજનાની ફળશ્રુતિ જણાવતાં વધુમાં જણાવ્‍યું હતું કે, સમગ્ર જિલ્લામાં લોકભાગીદારીના ૮૪ કામો, મનરેગા યોજના હેઠળ ૨૬૭ કામો, વન વિભાગના ૧૯ કામો, નગરપાલિકાના ૪૮ કામો, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ હેઠળના ખાતાકીય  ૧૩૮ કામો મળી રૂા. ૧૧૮૨.૨૨ લાખના પપર કામો થયા છે. આવનારી પેઢીને સારું અને શુદ્ધ વાતાવરણ મળે તે માટે જન્‍મદિવસ અથવા લગ્નતિથિ ઉજવણીમાં ખોટા ખર્ચ ન કરતાં વૃક્ષો રોપી તેનું જતન કરવાનો સંકલ્‍પ કરવા અનુરોધ કર્યો હતો.
  આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, નાયબ વન સંરક્ષક એસ.વી.કેદારીયા, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.
સિંચાઇ સમિતિના પ્રમુખ હેતલબેને આભારવિવિધ આટોપી હતી.


No comments