વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયોગ
વલસાડ જિલ્લામાં 1395 પૈકી 51 મતદાન મથકોને સ્પેશિયલ 5 કેટેગરીમાં સમાવાયા, ગ્રીન બુથ પર સૂકા પાંદડા, વાંસ અને ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરાયો
જિલ્લામાં યુવા દ્વારા સંચાલિત મતદાન મથક એક માત્ર કપરાડા બેઠક પર ફાળવાયુ
" હું નહીં ભૂલું મતદાન કરવાનું, તમે પણ ભૂલતા નહિ" સ્લોગન વાળાના ફેલ્ટી સ્ટેન્ડ પણ મુકાયા
આ વખતની ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને આકર્ષવા માટે વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રકારની નવી નવી પહેલ કરવામાં આવી છે. જેમાં મતદારો અને ઓફિસરો માટે વલસાડ ડીઈઓ એપ લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ મતદાનના દિવસે જિલ્લાના કુલ 1395 મતદાન મથકોમાંથી 51 મતદાન મથકોનો વિશિષ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મતદારોનો ઉત્સાહ વધી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરાયા છે.
કેટેગરી મુજબ જોઈએ તો જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પ્રમાણે એક વિધાનસભા સીટ પર 7 એમ પાંચેય વિધાનસભા સીટ પર કુલ 35 સખી મતદાન મથકો તૈયાર કરાયા છે. પીડબલ્યુડી (દિવ્યાંગ) દ્વારા સંચાલિત મતદાન મથકો જિલ્લામાં કુલ 5 છે જે પાંચેય વિધાનસભા સીટ પ્રમાણે દરેક સીટ પર એક એક છે. 178- ધરમપુરમાં બુથ નંબર 197-ધરમપુર-1, 179-વલસાડમાં બુથ નંબર 271- અતુલ-3, 180- પારડીમાં 121-ટૂકવાડા-1, 181- કપરાડામાં બુથ નં. 174-દિનબારી, અને 182 ઉમરગામમાં બુથ નં. 273- માંગેલવાડ દહેરી-3 પીડબલ્યુડી પોલિંગ સ્ટેશન છે.
આદર્શ મતદાન મથક પણ જિલ્લાની 5 વિધાનસભા સીટ પ્રમાણે દરેક સીટ પર એક- એક છે. યુવા દ્વારા સંચાલિત મતદાન મથક જિલ્લામાં એક માત્ર કપરાડા બેઠક પર ફાળવવામાં આવ્યું છે. જ્યારે ઈકો ફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે જ્યાં પ્લાસ્ટીકનો જરાય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેવા જિલ્લામાં કુલ પાંચ છે. જે દરેક વિધાનસભા સીટ પર એક-એક તૈયાર કરાયા છે. 178- ધરમપુરમાં ગ્રીન બુથ મતદાન મથક નં. 216-ખારવેલ-1 પ્રાથમિક બુનિયાદી શાળા, ખારવેલ પૂર્વ પાંખ, તા. ધરમપુર, 179- વલસાડમાં મતદાન મથક નં. 271-અતુલ-3, કલ્યાણી હાઈસ્કૂલ, ઉત્તર પાંખ મધ્યભાગ, અતુલ કોલોની, તા. વલસાડ, 180- પારડીમાં મતદાન મથક નં. 121-ટુકવાડા-1, પ્રાથમિક શાળા ટુકવાડા, દેસાઈવાડ, તા.પારડી, 181 કપરાડામાં મતદાન મથક નં. 149-રાવ ફળિયા-4 પ્રાથમિક શાળા રૂમ નં. 2, માંડવા, તા. કપરાડા અને 182- ઉમરગામમાં બુથ નં. 93- કનાડુ ફાટક, કલગામ-8ને ઈકો ફ્રેન્ડલી બુથ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રીન બુથમાં મતકુટીર પાંદડા અને વાંસનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે. આ સિવાય ગ્રીન સોલાર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બુથમાં મતદારોને આકર્ષણરૂપ ફુવારો તૈયાર કરાયો છે. આમ લોકશાહીના પર્વમાં પર્યાવરણનું પણ જતન થઈ રહે તેવા સંદેશ સાથે જિલ્લામાં આજે આ લોકશાહીનો મહાપર્વ ઉજવાશે.
સખી અને આદર્શ મતદાન મથક પર મહિલા કર્મીઓ કોટી પહેરી સજ્જ હશે
વલસાડ જિલ્લામાં કુલ 35 સખી મતદાન મથક અને 5 આદર્શ મતદાન મથક છે. જેમા સખી મતદાન મથક તથા આદર્શ મતદાન મથક ઉપર કામગીરી કરનાર તમામ 187 મહિલા કર્મચારીઓને પહેરવા માટેની કોટી આપવામાં આવી છ. જેથી સખી મતદાન મથકો તથા આદર્શ મતદાન મથકનો ડ્રેસ કોડ જળવાઈ રહે. વધુમાં તમામ સખી મતદાન મથકો તથા આદર્શ મતદાન મથકો ખાતે મતદાન અંગેની જાગૃતિ માટે 40 સેલ્ફી સ્ટેન્ડ (મેં મતદાન કર્યું, તમે પણ મતદાન કરવાનું ભૂલતા નહી ) તથા કલેક્ટર કચેરી ખાતે " હું નહીં ભૂલું મતદાન કરવાનું, તમે પણ ભૂલતા નહિ" 20 સેલ્ફી સ્ટેન્ડ પણ મુકવામાં આવ્યા છે.
1395 બુથના કર્મીઓ માટે ચૂંટણી તંત્રએ દૈનિક ક્રિયાની કીટ પણ મોકલી
ગુજરાત સામાન્ય ચૂંટણી 2022 અન્વયે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર ફોર વેલફેર ફોર કર્મચારીઓ/ અધિકારીઓ અને ચીફ ઓફીસર નગરપાલિકા વાપી દ્વારા વલસાડ જિલ્લાના તમામ 1395 બુથ માટેના તમામ બુથ કર્મચારીઓ માટે સવારની દૈનિક ક્રિયા માટે કર્મચારી દીઠ બુથ કીટ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ટૂથ બ્રશ, ટૂથ પેસ્ટ, ઉલીયું, સાબુ, હેર ઓઇલ, કાંસકો, ફાસ્ટ કાર્ડ વિગેરે સામેલ છે.





No comments