આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું
જયદેવસિંહ ભાટીએ અમેરિકામાં સિવીલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વ. કેસરીસિંહ ભાટીની વિશિષ્ઠ સેવા બદલ તેમની પત્નીને ચંદ્રક એનાયત કર્યો
આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો. તેમના પુત્ર જયદેવસિંહ ભાટીએ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ ગણાતી અમેરિકાના ન્યૂયોર્ક પોલીસ ફોર્સમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી એમના સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કરીને સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.
૨૬ વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટની ડીગ્રી હાંસલ કર્યા બાદ સિવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી. જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે. ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા પોલીસ ઓફિસરના પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના છ માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના ચાર પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. ત્યારબાદ તેમની ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે.
ઉલ્લેખનીય છે કે, જયદેવસિંહના પિતા ૧૯૯૬ થી ૧૯૯૯ સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સંભાળી હતી. બાદમાં તેમની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી જ્યાં ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા ચંદ્રક સ્વ. કેસરીસિંહ ભાટીની ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો.
જયદેવસિંહે ધો.૧૨ સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

No comments